તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
બંગાળની ખાડીમાં શક્તિશાળી ડિપ્રેશન સક્રિય થતાં મધ્ય અને પશ્ચિમ ભારતમાં ચોમાસું તોફાની બનશે : ગુજરાત સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા
દેશમાં મોનસૂન ટ્રફ, શેર ઝોન અને ઓફ શોર ટ્રફ સહિત ૪ મોટી સિસ્ટમ એકસાથે સક્રિય : આગામી ૨ થી ૪ દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી વેધરમેન અંકિત પટેલની આગાહી

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા: ગુજરાતના જાણીતા વેધરમેન અંકિત પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર એક શક્તિશાળી ડિપ્રેશન (હવાનું હળવું દબાણ) સક્રિય થયું છે. આ શક્તિશાળી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં ચોમાસું વધુ વેગવંત બને તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ૫ જુલાઈના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાની સ્થિતિએ આ ડિપ્રેશનનું કેન્દ્ર ૨૧.૨° ઉત્તર અક્ષાંશ અને ૮૭.૦° પૂર્વ રેખાંશ પર નોંધાયું છે.
આગામી ૧૨ થી ૨૪ કલાકમાં સિસ્ટમ જમીની ભાગો પર પ્રવેશશે:
હવામાન વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આગામી ૧૨ કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે. આ પ્રક્રિયા દરમિયાન તે બાલાસોર નજીક, ચાંદબલી અને દીઘા વચ્ચે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાને ઓળંગીને જમીન ભાગો પર પ્રવેશી શકે છે. ત્યારબાદના ૨૪ કલાકમાં તે વધુ આગળ વધીને ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફ ગતિ કરે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દેશભરમાં એકસાથે ૪ મોટી હવામાન પ્રણાલીઓ ધમધમી:
આ ડિપ્રેશનની સાથે સાથે દેશમાં અન્ય ત્રણ મોટી હવામાન પ્રણાલીઓ પણ એકસાથે સક્રિય થઈ છે, જે સમગ્ર ભારતમાં ભારે વરસાદી માહોલ સર્જી રહી છે:
મોનસૂન ટ્રફ (વરસાદી રેખા): ચોમાસાની મુખ્ય ધરી હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઉત્તર ઓડિશા અને બંગાળની ખાડીમાં રહેલા ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. આ લાંબી વરસાદી રેખાને કારણે આખા સેન્ટ્રલ બેલ્ટમાં ભારે વરસાદ જોવા મળશે.
મજબૂત શેર ઝોન: આકાશમાં આશરે ૨૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશની આસપાસ, સમુદ્રની સપાટીથી ૩.૧ થી ૭.૬ કિલોમીટરની ઊંચાઈ વચ્ચે એક અત્યંત મજબૂત શેર ઝોન બનેલો છે. આ વાતાવરણીય સ્થિતિ વાદળોના ઘેરાવને વધુ ગાઢ બનાવે છે, જે તીવ્ર વરસાદ લાવવા માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે.
ઓફ શોર ટ્રફ: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી શરૂ કરીને છેક કેરળના દરિયાકાંઠા સુધી એક મજબૂત ઓફ શોર ટ્રફ (દરિયાકાંઠાની વરસાદી પટ્ટી) સક્રિય છે.
ગુજરાતમાં આગામી ૪ દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાત અને પશ્ચિમ કિનારાના રાજ્યો માટે સૌથી મહત્વના સમાચાર આપતા વેધરમેન અંકિત પટેલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીનું આ ડિપ્રેશન જેમ-જેમ પશ્ચિમ તરફ આગળ વધશે, તેમ-જેમ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલો ઓફ શોર ટ્રફ વધુ મજબૂત અને આક્રમક બનશે. આ સાનુકૂળ સિસ્ટમ સર્જાવાને કારણે આગામી ૨ થી ૪ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના પગલે તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
