News of Saturday, 4th July 2026
ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબી સિરામિક હાર્ડવેર એસોસિએશન દ્વારા આવતીકાલે યોજાશે ભવ્ય 'સ્વયંભૂ કાર રેલી'
મહેન્દ્રનગર ચોકડીથી જેતપર સુધી યોજાનારી રેલીમાં ૪૦ થી ૫૦ કાર જોડાશે : ખેડૂત ભાઈઓ પ્રત્યે એકતાનો સંદેશ પહોંચાડવા એસોસિએશને કમર કસી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામ ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ આંદોલનને વધુ વેગ આપવા અને ખેડૂતો પ્રત્યે એકતાનો મજબૂત સંદેશ પહોંચાડવા માટે મોરબી સિરામિક હાર્ડવેર એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા આવતીકાલે તારીખ ૦૫/૦૭/૨૦2૬ ને રવિવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે એક વિશાળ 'સ્વયંભૂ કાર રેલી' નું આયોજન કરવામાં આવ્યું છે.
મહેન્દ્રનગર ચોકડીથી જેતપર આંદોલન સ્થળ સુધી ગૂંજશે નાદ:
આયોજકોના જણાવ્યા અનુસાર, આ સ્વયંભૂ કાર રેલી મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતેથી બપોરે ૩:૦૦ કલાકે પ્રસ્થાન કરશે. ત્યાંથી નીકળીને આ રેલી સીધી જેતપર ખાતે જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે સ્થળ પર પહોંચીને સમાપન પામશે. આ શિસ્તબદ્ધ રેલીમાં અંદાજે ૪૦ થી ૫૦ જેટલી કાર એકસાથે જોડાશે અને તમામ અગ્રણીઓ તથા સભ્યો ખેડૂત ભાઈઓ પ્રત્યે પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરશે.
મોટી સંખ્યામાં જોડાવા અને શિસ્ત જાળવવા ખાસ અપીલ:
મોરબી સિરામિક હાર્ડવેર એસોસિએશન દ્વારા હાર્ડવેર અને સિરામિકના વ્યવસાય સાથે જોડાયેલા તમામ ભાઈઓને આ આયોજનમાં અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં પોતાની કાર સાથે હાજર રહે. આ સાથે જ આયોજકોએ રેલી દરમિયાન સંપૂર્ણ શિસ્ત જાળવવા, હાઇવે પર ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને ક્યાંય પણ કાયદો-વ્યવસ્થા ખોરવાય નહીં તે રીતે શાંતિપૂર્ણ ભાગીદારી નોંધાવીને ખેડૂત આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ખાસ અનુરોધ કર્યો છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
