તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 25th October 2026
મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજમાતા સ્વ. વિજય કુંવરબાના નિધન પર ઊંડી સંવેદના દર્શાવી: ન્યુ પેલેસ ખાતે શ્રદ્ધાસુમન અર્પિત કર્યા
રાજવી પરિવારના સભ્યો સાથે સાંત્વના મુલાકાત કરી શોક સંવેદના વ્યક્ત કરી; સ્વ. રાજમાતાના સેવાકીય અને સામાજિક યોગદાનને બિરદાવાયા

(માહિતી ખાતુ) મોરબી : મોરબીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ. શ્રી વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ન્યુ પેલેસ ખાતે ઉપસ્થિત રહી તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ મહારાજકુમારીશ્રી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારીશ્રી દ્રોપદીદેવી, મહારાજકુમારીશ્રી ઉમાદેવી, વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી તેમને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. મોરબીના પ્રજાકલ્યાણ, પરંપરાગત વારસો જાળવવામાં તથા વિવિધ સામાજિક-સેવાકીય કાર્યોમાં સ્વ. રાજમાતા વિજય કુંવરબાના સ્મરણીય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આ તકે આદરપૂર્વક યાદ કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરીયા , ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(-બળવંતસિંહ જાડેજા-માહિતી ખાતુ-મોરબી)
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
