<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મોરબી: વીમા કંપનીને ફટકાર, ગ્રાહકને 8.80 લાખ ચૂકવવા અદાલતનો આદેશ

પ્રેમેરીકા લાઈફ ઈન્સ્યોરન્સે ખોટા કારણોસર વિધવા મહિલાના પતિનો વીમો નામંજૂર કરતા કોર્ટે 9% વ્યાજ સાથે રકમ ચૂકવવા ફટકાર્યો હુકમ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં એક ગ્રાહકને વીમા કંપની દ્વારા અન્યાય કરવામાં આવતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અદાલતે ગ્રાહકની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપી પ્રેમેરીકા લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીને વ્યાજ સાથે રૂપિયા 8,80,279 ચૂકવી આપવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રહીશ શારદાબેન નવલભાઈ વણપરીના પતિ નવલભાઈનું અવસાન થતા તેઓએ આધાર ફાઇનાન્સમાંથી મકાન લોન લીધેલ હતી. આ લોન સામે આધાર ફાઈનાન્સ દ્વારા પ્રેમેરીકા લાઈફ ઈન્સ્યોરન્સનો વીમો લેવામાં આવ્યો હતો, જે પોલિસીમાં તમામ બીમારીઓને આવરી લેવામાં આવી હતી. નવલભાઈના અવસાન બાદ વીમાના તમામ કાગળો સમયમર્યાદામાં રજૂ ક૨વા છતાં વીમા કંપનીએ રેપ્યુડિએશન (ખોટા કારણો) નું બહાનું કાઢીને વીમો નામંજૂર કર્યો હતો.
આ મામલે શારદાબેને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક અદાલતમાં ધા નાખી હતી. ગ્રાહક અદાલતના ન્યાયમૂર્તિએ આ કેસમાં નોંધ્યું હતું કે, ગ્રાહકે વીમાનું પ્રીમિયમ ભરેલ છે તેથી રોગ સાથે કોઈ સંબંધ નથી. જો આત્મહત્યા કરી હોય તો પણ 80% આપવા જરૂરી છે. વીમા પોલિસીના કરાર મુજબ ગ્રાહકે તમામ ઉપ હપ્તા ભરેલા હોવાથી વીમા કંપની રકમ ચૂકવવા માટે બંધાયેલી છે.
આથી, ગ્રાહક અદાલતે પ્રેમેરીકા લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે કે તેઓ શારદાબેનને રૂપિયા 8,80,279 (આઠ લાખ એંસી હજાર બસો ઓગણએંસી) અને ખર્ચના રૂપિયા 2,000 મળીને 9% ના વ્યાજ સાથે ચૂકવી આપે. આ ચુકાદાથી ગ્રાહકને મોટો ન્યાય મળ્યો છે. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ, હિતેષભાઈ મહેતા અને મંત્રી રામ મહેતા દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ ગ્રાહકને અન્યાય થાય તો તેઓ સંસ્થાનો સંપર્ક કરી શકે છે

(11:42 PM IST)