<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ.

જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હાલમાં જુદા-જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ ૩૦/૦૯/૨૦૨૬ સુધી સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને-સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો કે બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહીં. ઉક્ત જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર થશે.

(1:08 AM IST)