તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
મોરબી-હળવદ રોડ પર ટ્રકની પાછળ એક્ટિવા ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત, ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-હળવદ રોડ પર તપોવન આશ્રમ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટ્રેલર ટ્રકની પાછળ એક્ટિવા ઘૂસીજતાં એક આશાસ્પદ યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતકના નાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ હળવદના ઈશ્વરનગર ગામના વતની અને હાલ મોરબી-હળવદ રોડ પર ITI પાસે આવેલી ઉમા રેસીડન્સી સોસાયટીમાં રહેતા 36 વર્ષીય વિપુલભાઈ વનજીભાઈ કૈલાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિપુલભાઈ અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રકુમાર (ઉ.વ. 38) ઊંચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચે શિવ પેટ્રોલ પંપ પાસે રાધે પાન નામની દુકાન ચલાવે છે.
ગત તારીખ 07/10/2026 ના રોજ રાત્રિના 8:30 વાગ્યાના સુમારે જીતેન્દ્રકુમાર દુકાનેથી પોતાનું એક્ટિવા મોટરસાયકલ (GJ-36-AS-1834) લઈને ઘરે જવા નીકળ્યા હતા. તેઓ હળવદ-મોરબી રોડ પર તપોવન આશ્રમ પાસે, રામનગરી સોસાયટી તરફ જતા રસ્તાના નાકા પાસે પહોંચ્યા ત્યારે આગળ જતા ટેઈલર ટ્રક (RJ-05-GB-2579) ના ચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રોડની વચ્ચે અચાનક બ્રેક મારી દીધી હતી. અચાનક બ્રેક વાગતા જીતેન્દ્રકુમારનું એક્ટિવા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયું હતું.
આ ગમખ્વાર અકસ્માતમાં જીતેન્દ્રકુમારને માથાના અને પેટના ડાબી બાજુના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતાં સુરેશભાઈ રજોડીયા સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિપુલભાઈને જાણ ક૨ી હતી.
બનાવ અંગે મૃતકના ભાઈ વિપુલભાઈ કૈલાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે RJ-05-GB-2579 નંબરના ટ્રેલર ટ્રકના ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281 અને 106(1) તેમજ એમ.વી. એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઇ શિવાંગકુમાર હર્ષદભાઈ ભટ્ટ ચલાવી રહ્યા છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
