<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

મોરબી-માળીયા હાઈવે પર કાળમુખો અકસ્માત: બે ટ્રક વચ્ચે ટક્કર બાદ લાગેલી ભીષણ આગમાં ચાલક જીવતો ભુંજાયો

વિરવિદરકા ગામ નજીક સર્જાયેલી દુર્ઘટનામાં ટ્રકો બની ધગધગતા ગોળા; ફાયરની ટીમની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

મોરબી : મોરબી-માળીયા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે બે માલવાહક ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતે ભારે ચકચાર મચાવી દીધી છે. વિરવિદરકા ગામના પાટિયા પાસે અચાનક થયેલી આ ભયાનક ટક્કર બાદ વાહનોના ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતા બંને ટ્રકો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા. આ કરુણ ઘટનામાં એક ચાલક કેબિનની અંદર જ ફસાઈ જતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે આસપાસના વિસ્તારમાં આગની જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાને કારણે અફરાતફરી મચી ગઈ હતી.

બે ટ્રકો વચ્ચે ભયાનક ટક્કર સર્જાતા ગણતરીની સેકન્ડોમાં વાહનોના એન્જિન અથવા ડીઝલ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે હાઈવે પર જ ભયંકર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની વિકરાળ જ્વાળાઓએ બંને ટ્રકોને પોતાની ઝપેટમાં લઈ હતી. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ ભયાનક દુર્ઘટનામાં ટ્રકના ચાલક અથવા ક્લીનરને બહાર નીકળવાનો સહેજ પણ મોકો નહોતો મળ્યો. તે કેબિનની અંદર જ ફસાઈ ગયો હોવાથી જીવતો જ હોમાઈ જતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ્ હતું. હાઈવે પરના વાહનચાલકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી, ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ત્યાં સુધીમાં બંને ટ્રકો બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયો હતો.

હાલ મોરબી પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપીને મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર સર્જાયેલા ટ્રાફિકને ક્રેન દ્વારા ટ્રકો હટાવીને પૂર્વવત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેથી આ દુર્ઘટના પાછળનું સચોટ કારણ જાણી શકાય.

(11:49 AM IST)