<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

મોરબીનો શખ્સ ઓડિશાથી 16 કિલો ગાંજો લઈને મોરબી પહોંચે તે પહેલાં જ અમદાવાદ નજીક પકડાઈ ગયો!

બે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો મો૨બી પહોંચાડવાનો હતો, મોરબીના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અમદાવાદના રામોલ નજીક ટોલનાકા પાસેથી પગપાળા બે ટ્રોલી બેગ લઈને પસાર થઈ રહેલા મોરબીના શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસે રહેલી બે ટ્રોલી બેગમાંથી અધધધ 16 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ શખ્સ કમિશનની લાલચે મોરબીના એક અન્ય શખ્સ માટે ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું પૂછપરછમાં ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    સમગ્ર બનાવની વિગતો અનુસાર, રામોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ સેલની ટીમ ગઈકાલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક શખ્સ બે ટ્રોલી બેગ લઈને પગપાળા આવતો દેખાતા તેના પર શંકા ગઈ હતી. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભાવિકભાઈ ધનજીભાઈ મોરડીયા (રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી, મહેન્દ્રનગર, મોરબી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની બંને ટ્રોલી બેગ ચેક કરતા અંદરથી કુલ 16 નાના જબલામાં ગાંજો મળી આવ્યો હતો. સરકારી પંચો અને એફએસએલની હાજરીમાં વજન ક૨તા આ ગાંજાનો જથ્થો 16.130 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાંજો, મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ સહિત કુલ 8,17,700
રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
   પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે આ ગાંજાનો જથ્થો ઓડિશા રાજ્યના બાલાંગિર ખાતે રહેતી અશ્વિની બેગ નામની વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. વધુમાં, આ માદક પદાર્થ કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, આ ગાંજો મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં જ રહેતા પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર નામના શખ્સને પહોંચાડવાનો હતો. રામોલ પોલીસે હવે ગાંજો મોકલનાર અને મંગાવનાર બંને શખ્સોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે

(1:06 AM IST)