<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

જનજાતીય સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી: આદિવાસી સમાજના મહાનાયક, ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતીય સમાજના હક, અધિકાર તથા સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડાનીજન્મજયંતિ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના શક્તિ પ્લોટ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ, નગરજનો તથા આમંત્રિતોએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, દંડક જયેશભાઈ દેસાઈ, મોરબી શહેર ભાજપના પ્રમુખ નૈમિશભાઈ પંડિત સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું કમ્યુનિટી હોલ ખાતે વિશાળ LED સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ (Live Telecast) કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ વડાપ્રધાનના સંબોધન તથા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનના સંબોધનના માધ્યમથી જનજાતીય સમાજના ઉત્થાન, વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસના સંદેશને ઉપસ્થિત સૌએ જાણ્યો હતો.
આ પ્રસંગે જનજાતીય સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પૈકી એક વિદ્યાર્થીને સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સાથે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માનનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો

(11:46 PM IST)