<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

મોરબી મહાપાલિકા દ્વારા રવાપર ત્રાજપર, મહેન્‍દ્રનગર, શકત સનાળામાં આકરા વેરા વસૂલાત સામે ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

મોરબી તા ૨૧: મોરબીના રવાપર, મહેન્‍દ્રનગર, ત્રાજપર, શક્‍ત શનાળા અને અન્‍ય સોસાયટીઓમાં વસતા મકાન માલિકો પાસેથી વધારે ટેક્‍સ વસૂલવામાં આવતો હોવા મુદે મોરબી શહેર અને જિલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મેયરને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્‍યા અનુસાર, ૨વાપર, મહેન્‍દ્રનગર, ત્રાજપર અને શક્‍ત શનાળાનો વર્ષ ૨૦૨૫ થી મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. ત્રાજપરના સર્વેમાં આવતી ફલોરા હોમ્‍સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્‍દ્રનગરની તમામ સોસાયટીઓના રહીશોએ વર્ષ ૨૦૨૫ સુધીનો હાઉસ ટેક્‍સ જે તે ગ્રામ પંચાયતોમાં ભરી દીધો છે. તેમ છતાં, આ રહીશોને અગાઉ ક્‍યારેય જાણ કરવામાં આવી ન હતી કે તેઓ વર્ષ ૨૦૧૩ થી મોરબી નગરપાલિકાની હદમાં આવે છે.

હાલમાં મહાનગરપાલિકા દ્વારા મકાનધારકોને ટેક્‍સ ન ભરવા પર પીવાના પાણી અને ગટરના કનેક્‍શન કાપી નાખવાની ધમકીઓ આપીને આકરા વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ દબાણ હેઠળ મિલકત ધારકો પાસેથી આશરે રૂપિયા ૪૫૦૦૦ કે તેની આજુબાજુની રકમ વસૂલવામાં આવી રહી છે. ગ્રાહકોની સ્‍પષ્ટ માંગણી છે કે મહાનગરપાલિકા ૨૦૨૫ માં અસ્‍તિત્‍વમાં આવી હોવાથી ટેક્‍સ પણ ૨૦૨૫ થી જ વસૂલવો જોઈએ. વર્ષ ૨૦૨૫ સુધીનો ટેક્‍સ ગ્રામ પંચાયતને ચૂકવાઈ ગયો હોવા છતાં, વર્ષ ૨૦૧૩ થી ગણતરી કરીને મહાનગરપાલિકા દ્વારા જે ઉંચો વેરો વસૂલવામાં આવ્‍યો છે તે ગ્રાહકોને પરત મળવો જોઈએ તેવી માંગ સાથે મેયરને ત્‍વરિત અને યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવાયું છે

 

 

(12:57 PM IST)