તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મોરબીના વિકાસને મળશે નવી ગતિ: ₹૧,૧૮૨ કરોડના ખર્ચે માળિયા-પીપળિયા હાઈવે છ-માર્ગીય બનશે : નિતીન ગડકરીની જાહેરાત
નવો બાયપાસ, કોંક્રીટ સર્વિસ રોડ, એક ફ્લાયઓવર, ત્રણ વાહન અંડરપાસ અને બે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે : વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩ : મોરબી જિલ્લાના માળિયા-પીપળિયા વચ્ચેના ૨૪.૫૧ કિલોમીટર લાંબા નેશનલ હાઈવે-151Aને છ-માર્ગીય બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ પ્રોજેક્ટ અંગેની માહિતી જાહેર કરી છે. અંદાજે ₹૧,૧૮૨.૪૦ કરોડના ખર્ચે આ માર્ગનું વિસ્તરણ કરવામાં આવશે.
પ્રોજેક્ટ અંતર્ગત નવો બાયપાસ, કોંક્રીટ સર્વિસ રોડ, એક ફ્લાયઓવર, ત્રણ વાહન અંડરપાસ અને બે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. હાઈવે છ-માર્ગીય બનવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે.
આ માર્ગ અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર તેમજ નવલખી બંદર માટે મહત્વપૂર્ણ કડી હોવાથી તેના વિસ્તરણથી બંદર પર માલસામાનની હેરફેરને વેગ મળશે. મોરબીના ઔદ્યોગિક વિસ્તારો, ધ્રોલ-આમરણ-માળિયા પટ્ટા અને આસપાસના કૃષિ ક્ષેત્રને પણ તેનો લાભ મળશે.
જામનગરની રિફાઇનરીઓમાંથી ઉત્તર ભારત તરફ જતા પેટ્રોકેમિકલ ઉત્પાદનોના પરિવહન માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ બનશે. હાઈવેના વિસ્તરણથી મુસાફરીનો સમય, ઈંધણ ખર્ચ અને ટ્રાફિક વિલંબમાં ઘટાડો થવાની સાથે મોરબી-રાજકોટ વિસ્તારના વેપાર, ઉદ્યોગ અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.

(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
