<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

મોરબીની જાણીતી સિરામિક કંપની Varmora Granito IPO આજથી શરૂ : રોકાણકારો ૩ દિવસ કરી શકશે અરજી

શેરની પ્રાઇસ બેન્‍ડ ૧૪૦ થી ૧૪૮ રૂપિયા : ઇશ્‍યુ દ્વારા કંપની ૭૮૦ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૩: મોરબીની જાણીતી સિરામિક અને વિટ્રિફાઇડ ટાઇલ્‍સ ઉત્‍પાદક કંપની Varmora Granitં પોતાનો નવો IPO લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રોકાણકારો માટે આ IPO આગામી Sep ૨૨ થી ૨૪, ૨૦૨૬ સુધી ખુલ્લો રહેશે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્‍ડ ૧૪૦ થી ૧૪૮ રૂપિયા નક્કી કરી છે. આ ઇશ્‍યૂ દ્વારા કંપની ૭૮૦ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં ૩૨૦ કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્‍યૂ અને ૩૮૮ કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ સામેલ છે. કંપનીની અંદાજિત માર્કેટ કેપ ૩૩૪૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને ફેસ વેલ્‍યુ ૨ રૂપિયા છે. રિટેલ રોકાણકારો માટે ૩૫ ટકા હિસ્‍સો અનામત રાખવામાં આવ્‍યો છે અને એક લોટમાં ૧૦૧ શેર મળશે. નોંધનીય છે કે આ ઇશ્‍યૂ બાદ પ્રમોટર્સનો હિસ્‍સો ૫૨ ટકા થી ઘટીને ૪૭ટકા થઈ જશે.

વર્ષ ૨૦૦૩ માં શરૂ થયેલી આ કંપની આજે ગુજરાતમાં ૮ જેટલી મેન્‍યુફેક્‍ચરિંગ ફેસિલિટી ધરાવે છે. વેચાણ નેટવર્કની વાત કરીએ તો, કંપની દેશ-વિદેશમાં ૩૦૫ એક્‍સક્‍લુઝિવ બ્રાન્‍ડ આઉટલેટ્‍સ અને ૨૭૫૮ મલ્‍ટી-બ્રાન્‍ડ આઉટલેટ્‍સ ધરાવે છે. કંપનીની કુલ આવકનો ૭૪% હિસ્‍સો ગ્‍લેઝ્‍ડ વિટ્રિફાઇડ ટાઇલ્‍સ અને ટેકનિકલ પ્રોડક્‍ટ્‍સના વેચાણમાંથી આવે છે. તેમાં પણ કંપની દ્વારા વેચાતી ૮ર% પ્રોડક્‍ટ્‍સ ઇન-હાઉસ તૈયાર થાય છે. ડોમેસ્‍ટિક માર્કેટમાં કંપનીની ૨/૩ આવક B2C રિટેલ ચેનલ દ્વારા અને બાકીની આવક B2B ચેનલના માધ્‍યમથી પ્રાપ્ત થાય છે.

કંપનીના નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો, ઓપરેશનલ આવક વાર્ષિક ધોરણે ૨.૬% ના વધારા સાથે ૧૫૧૨.૫ કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્‍યારે ચોખ્‍ખો નફો ૧૦.૭%  વધીને ૫૫.૧ કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ ૨૧.૪% વધીને ૨૨૧.૬ કરોડ રૂપિયા થયો છે અને EBITDA માર્જિન પણ ૧૦.૨% થી સુધરીને ૧૪.૨% પર પહોંચ્‍યું છે. દેવાની વાત કરીએ તો નાણાકીય વર્ષ ૨૬માં કંપનીનું નેટ ડેટ ઘટીને ૨૪૩૪.૩ કરોડ રૂપિયા થયું છે જે અગાઉ નાણાકીય વર્ષ ૨૪ માં ૩૧૪૫.૭ કરોડ રૂપિયા હતું. જોકે વેલ્‍યુએશનની દ્રષ્ટિએ કંપનીનો P/E રેશિયો ૬૧ પર છે, જે માર્કેટ લીડર Kajaria Ceramics ના ૩૯ P/E ની સરખામણીમાં ઘણો ઉંચો જણાય છે, જેનું માર્જિન પણ ૧૮% આસપાસ વધુ છે.

(12:17 PM IST)