News of Friday, 15th May 2026
કેશોદ પાલિકામાં ઉપપ્રમુખના પદ માટે ૭થી વધુ મજબૂત દાવેદારો
પ્રમુખ, ઉપપ્રમુખ ઉપરાંત કારોબારી, ટાઉન પ્લાનિંગ કમિટી પર પણ અત્યારથી સૌની મીટ !

વહીવટી કામગીરીની દ્રષ્ટિએ પ્રમુખની હાજરીમાં ઉપપ્રમુખની કોઈ ભૂમિકા હોતી નથી આમ છતાં પદ માટે ભારે આંતરિક ખેંચતાણઃ અનેક મહત્વના સ્થાનો માટે ગણિત માંડતા રાજકીય પંડિતો( સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧પ :.. આગામી તારીખ ૧૯ ના રોજ જનરલ બોર્ડ ની બેઠક મળનાર છે. જેમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી થશે. પ્રમુખ પદ માટે બક્ષીપંચસ્ત્રી વર્ગ માટે અનામત છે ત્યારે જ્ઞાતીકીય સમીકરણો ના આધારે પ્રમુખ બાદ ઉપપ્રમુખ ઉપરાંત મહત્વનું ગણાતું કારોબારી કમિટી ના ચેરમેન સહિત મહત્વના પદ અંગે પણ રાજકીય પંડિતો ગણિત માંડી રહે છે. અત્રે નોંધનીય છે કે, પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી બાદ બોડી કાર્યરત થતા વ્યવસ્થાના ભાગરૂપે જુદા જુદા વિભાગની કમિટીઓની રચના કરી શાસક પક્ષ તેમના સદસ્યોને હોદ્દાઓ ફાળવી કાર્યભાર સોંપે છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ બાદનું મહત્વનું મનાતું કારોબારી કમિટીના ચેરમેન ઉપરાંત ટાઉન પ્લાનિંગ કમિટી જેવા મહત્વના હોદ્દાઓ પર અત્યારથીજ સૌ કોઈની મિટ મંડાયેલી છે.
તાજેતરમાં નવ વોર્ડનું ભૌગોલિક સીમાંકન ધરાવતી સ્થાનિક નગરપાલિકાની ૩૬ બેઠક માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપના ફાળે ૩૩ તથા કોંગ્રેસના ફાળે ૩ બેઠક આવતા ભાજપને સ્પષ્ટ બહુમતી હોય ભાજપની ટીમ આગામી તારીખ ૧૯ ના રોજ મળનાર સામાન્ય સભા ની બેઠક માં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ સુકાન સંભાળશે.
ગત તારીખ ૨૮ ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થતાં ૨૦૨૬ની નવી બોડીમાં પ્રથમ ટર્મના અઢી વર્ષ માટે પ્રમુખ કોણ હશે ? તે મુદ્દો છેલ્લા પંદરેક દિવસથી ચર્ચાનો વિષય બનેલ છે. ચાલુ વર્ષે પ્રથમ ટર્મ ના અઢી વર્ષ માટે બક્ષીપંચ (ઓબીસી) -સ્ત્રી વર્ગ માટે આરક્ષિત (અનામત) છે. ત્યારે ભાજપમાં સમાવિષ્ટ બક્ષીપંચ વર્ગના તાજેતરની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા વોર્ડ નંબર ૧...,૩..., ૫...,૮... અને ૯...,માંથી મળી કુલ પાંચ મહિલા ઉમેદવારો દાવેદાર છે.
આગામી તારીખ ૧૯ ના રોજ જનરલ બોર્ડ ની બેઠક મળનાર છે અને તેમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી થશે. પ્રમુખ પદના ઉમેદવારો સાથે ઉપપ્રમુખ પદના ઉમેદવારોની પણ તાજેતરમાં સેન્સ લેવામાં આવેલ. ત્યારે પ્રમુખ પદ માટે તો બક્ષીપંચ વર્ગના પાંચ મહિલા ઉમેદવારો હોડમાં છે અને આ પાંચ પ્રતિનિધિઓમાંથી ગમે તે એક મહિલા ઉમેદવારની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પસંદગી કરવામાં આવશે તે નક્કીજ છે. આ સ્થિતિ વચ્ચે ઉપપ્રમુખ પદ સામાન્ય વર્ગ ના સદસ્ય માટે હોય લોકોમાં વધુ એક સવાલ એ ઉભો થવા પામેલ છે કે, ઉપ-પ્રમુખ પદ કોને મળશે ?!
રાજકીય પંડિતો પ્રમુખના હોદ્દા બાદ ઉપપ્રમુખ ઉપરાંત મહત્વનું ગણાતું કારોબારી સમિતિના ચેરમેન ની વરણી અંગેના પણ અત્યારથી ગણિત તો માંડી રહેલ હોવાનું જાણવા મળેલ છે.
જોકે આ અંગે રસ ધરાવતા જુદા જુદા રાજકીય વર્તુળોનો સંપર્ક કરતા તેઓ આ વિશે ખાસ કાંઈ સ્પષ્ટ કહી શકતા નથી પરંતુ ઉપપ્રમુખ પદ માટે આશરે સાત થી પણ વધુ મજબૂત દાવેદારો હોવાનું જણાવી રહ્યા છે.
દરમિયાન ઉપ-પ્રમુખ પદ માટે આંતરિક વર્તુળોમાં વોર્ડ નંબર ૧ ના કુસુમબેન વણપરિયા, વોર્ડ નંબર ૪ ના પારુલ બેન દવે, વોર્ડ નંબર ૫ માંથી અજયભાઈ કોટક તથા બીનાબેન ઠુંમર, વોર્ડ નંબર ૭ માંથી જલ્પાબેન ડોબરીયા તથા પ્રકાશભાઈ વ્યાસ સહિતના નામો વર્તુળોમાં ચર્ચાય રહ્યા છે. જેમાં અજયભાઈ (હકાભાઇ) કોટકે પોતાની દાવેદારી નોંધાવી ઉપપ્રમુખ અથવા કારોબારી સમિતિના ચેરમેન તરીકે સ્થાન આપવા માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે. અજયભાઈ કોટક ને ભાજપ દ્વારા રીપીટ કરાતા તેઓ વોર્ડ નંબર ૫ માંથી સારી એવી જંગી લીડ થી ચૂંટાઈ આવેલ છે અને તેઓ મજબૂત દાવેદાર હોવાનું મનાઈ રહેલ છે.
જાણકારોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પ્રમુખ પદ બાદ ઔપચારિક રીતે બીજા નંબરનું સ્થાન ઉપપ્રમુખનું હોય છે. પરંતુ પ્રમુખપદ પછી નું વહીવટી કામગીરીની દ્રષ્ટિએ બીજા નંબરનું મહત્વનું પદ કારોબારી સમિતિના ચેરમેનનુ હોવાનું માનવામાં આવે છે. જોકે સામાન્ય સભામાં પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા બાદ શ્નબોડીઙ્ખ કાર્યરત થતાના ગણત્રીના દિવસોમાં જ કારોબારી સમિતિના ચેરમેન ટાઉન પ્લાનિંગ ના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓની ફાળવણી થતી હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખ છે કે, પ્રમુખ - ઉપપ્રમુખનું પદ ચોક્કસ પણે ગરિમા પૂર્ણ અને સામાજિક રીતે ગૌરવ વન્તૂ હોય છે. આમ છતાં જાણકારોના મતે સિક્કાની બીજી બાજુ જોઈએતો કડવી સત્ય હકીકત એ પણ છે કે,બહુમત સદસ્યો ની સહમતી થી તમામ નીતિ વિષયક નિર્ણયો પ્રમુખ પોતે સ્વતંત્ર રીતે લેતા હોય છે. પરિણામે વહીવટી કામગીરીની રીતે પ્રમુખની હાજરી હોય ત્યારે ઉપપ્રમુખ ની કોઈ ખાસ ભૂમિકા રહેતી નથી. જો સંજોગો વસાત પ્રમુખ રજા પર હોય તો જ ઉપપ્રમુખ ને પ્રમુખ તરીકેના ચાર્જ મા વહીવટી કામગીરી કરવાની તક મળતી હોય છે, જે ભાગ્યે જ બનતું હોય છે ! આમ ઉપપ્રમુખનું પદ માત્ર સ્ટેટસ શ્ન અથવાતો રાજકીય કદ શ્ન બતાવવા માટે હોય તેમ જણાઈ રહ્યું છે. ટૂંકમાં ઉપપ્રમુખનું પદ મોટા ભાગે શોભાના ગાંઠીયા શ્ન જેવું જ બની રહેતૂ હોવાનું કહેવાય છે ! જોકે આમ છતાં ઉપપ્રમુખ પદ મેળવવા માટે આંતરિક રીતે ભારે ખેંચતાણ.... (લોબિંગ) ચાલી રહેલ છે એ પણ એક વાસ્તવિકતા છે !!
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
