<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

સ્‍વ.ઓ.આર. પટેલના પુત્ર પ્રવિણભાઇનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન

ઘડિયાળ ઉદ્યોગ થકી દેશ-દુનિયામાં ડંકો વગાડનાર... મોરબીના ચાંચાપરમાં અંતિમવિધીઃ મહિલા ઉત્‍થાનના માધ્‍યમથી હજારો દિકરીઓ, મહિલાઓને પગભર કરનાર પ્રવિણભાઇ ઓધવજીભાઇ ભાલોડીયાને ભારે マદયે વિદાય આપતા પરિવારજનો, ઉદ્યોગપતિઓ, પાટીદાર આગેવાનો કાલે સાંજે ઉમા સંસ્‍કારધામમાં બેસણુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨૧: મોરબીને વિશ્વના નકશા પર લઇ જનાર દેશ અને દુનિયામાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં ડંકો વગાડનારા અજંતા ક્‍લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું અવસાન થતાં આજે તેઓના માદરે વતન ચાંચાપર ગામે આવેલા સ્‍મશાન ખાતે તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં મોરબીના ઉદ્યોગકારો સહિતના લોકો જોડાયા હતા અને તેઓને પાર્થિવદેહ ચાંચાપર ગામે પહોચ્‍યો હતો ત્‍યારે ગામની દીકરો અને મહિલાઓ સહિતનાઓ પુષ્ટિવર્ષા કરીને તેઓને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી.

અજંતા કંપનીના સ્‍થાપક તરીકે જાણીતા સ્‍વ. ઓધવજીભાઈ આર. ભાલોડિયા (O.R. Patel) મોરબીની વીસી હાઇસ્‍કૂલના શિક્ષક હતા અને તેઓએ વર્ષ ૧૯૭૧માં મોરબીમાં ઘડિયાળના વ્‍યવસાયની શરૂઆત કરી હતી અને અજંતા કારખાનું લાટી પ્‍લોટમાં શરૂ કર્યું હતું અને ઓ.આર.પટેલને કુલ ચાર દીકરા હતા જેમાં વસંતભાઇ, પ્રવીણભાઈ, જયસુખભાઇ અને અશોકભાઇનો સમાવેશ થાય છે જો કે, પ્રવીણભાઈનો જન્‍મ તા. ૨૭/૧૨/૧૯૫૩ ના રોજ થયો હતો અને તેઓએ અજંતા ગ્રૂપની કામન સાંભળી હતી.

પ્રવીણભાઈ ઓ. ભાલોડીયાના મોટાભાઇ વસંતભાઇ ભાલોડીયાએ જણાવ્‍યુ હતું કે, વર્ષ ૧૯૮૦ ના દાયકામાં ઘડિયાળના વ્‍યવસાયનું સંચાલન સંભાળ્‍યું હતું અને અજંતા (Ajanta) બ્રાન્‍ડને આગળ વધારવામાં તેઓની મહત્‍વની ભૂમિકા ભજવી હતી આટલું જ નહીં પરંતુ મહિલાઓને રોજગાર આપવાનો વિચાર પણ તેઓનો જ હતો અને મહિલાઓને કારખાને રોજગારી માટે લઈ આવવામાં અને વિદેશ પ્રવાસ કરીને નવી આધુનિક ટેકનોલોજી લઈ આવીને અજંતા ગ્રૂપને વિશ્વના ફલક ઉપર મૂકવામાં તેઓનું ખૂબ જ મોટું યોગદાન હતું. અને પ્રવીણભાઈએ અજંતા બાદ ઓરપેટ ગ્રૂપની રચના કરી હતી અને ડિજિટલ કેલ્‍કયુલેટર, ડિજિટલ ઘડિયાળ સહિતના ઇલેક્‍ટ્રોનિક ઉત્‍પાદનોના વ્‍યવસાયને આગળ વધાર્યો હતો.

દુનિયામાં અજંતા અને ઓરપેટ ગ્રૂપનો ડંકો વાગી રહ્યો છે તેમાં પ્રવીણભાઈ ભાલોડીયાનું સહુથી મોટું યોગદાન હતું તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્‍તિ નથી મૂળ ચાંચાપર ગામના રહેવાસી અને સિરામિક ઉદ્યોગપતિ પ્રવીણભાઈ પટેલે જણાવ્‍યુ હતું કે, પ્રવીણભાઈ ભાલોડીયાને પોતાના ગામ અને રાષ્‍ટ્ર પ્રત્‍યે ખૂબ જ પ્રેમ હતો અને તેઓ હર કોઈને કહેતા હતા કે, પહેલા પોતાના ગામ અને પછી રાષ્‍ટ્ર માટે તમે તમારી આર્થિક શક્‍તિ મુજબ કામ કરો. અને અમદાવાદ ખાતે તેઓના ઘરે જ હાર્ટ એટેક આવી જવાથી પ્રવીણભાઈ ભાલોડીયાનું નિધન થયું હતું ત્‍યાર બાદ તેઓના પાર્થિવ દેહને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રેવા બંગલો ખાતે લઈને આવ્‍યા હતા અને ત્‍યાંથી પ્રવીણભાઈ ભાલોડીયાની અંતિમ ઈચ્‍છા મુજબ તેઓના માદરે વતન એટ્‍લે કે ચાચાપર ગામે તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્‍યારે પ્રવિણભાઈના દીકરા નેવીલભાઈ અને હિમાંશુભાઈ દ્વારા મુખાગ્નિ આપવામાં આવતા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન થાય છે. તેઓનું બેસણું કાલે તા. ૨૨ ને ગુરુવારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા લજાઈ ગામ પાસે ઉમા સંસ્‍કારધામ ખાતે રાખવામા આવ્‍યું છે

(10:45 AM IST)