News of Friday, 1st May 2026
વલ્લભીપુરમાં દીકરીનો કબજો લેવા ગયેલી માતા પર સાસરિયાઓનો પોલીસની હાજરીમાં છરી વડે હુમલો
હુમલો કરનાર સાસરિયા પક્ષના શખ્સોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા:કોર્ટના હુકમનું પાલન કરાવવા ગયેલી ટીમ પર થયેલા આ હુમલાને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખુશીબેન વાઘેલા નામની મહિલા ફેમિલી કોર્ટના આદેશ બાદ પોતાની દીકરીનો કબજો લેવા માટે વલ્લભીપુર પહોંચી હતી. આ દરમિયાન વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસે જ સાસરિયા પક્ષના શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ખુશીબેન પર છરી વડે હિંસક હુમલો કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે આ હુમલો મહિલા પોલીસ અને 181 ટીમની હાજરીમાં જ કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં ખુશીબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે હુમલો થયો ત્યારે હુમલાખોરોએ સાથે રહેલા પોલીસકર્મીઓને પકડી રાખ્યા હતા અને પોલીસની હાજરી હોવા છતાં મહિલાને સુરક્ષા મળી શકી ન હતી, જેના કારણે આ ગંભીર ઘટના બની.
ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાહેર સ્થળે અને પોલીસની હાજરીમાં થયેલા આ હુમલાએ તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં વલ્લભીપુર પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હુમલો કરનાર સાસરિયા પક્ષના શખ્સોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કોર્ટના હુકમનું પાલન કરાવવા ગયેલી ટીમ પર થયેલા આ હુમલાને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
