<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

માતાનું દૂધ જ શિશુ માટે શ્રેષ્ઠ પોષણ, માતાનો સ્પર્શ શિશુ માટે ઢાલ સમાન : વર્લ્ડ બેબી કેર વીક અને પ્રીમેચ્યોર બેબી ડે નિમિત્તે બાળરોગ નિષ્ણાતોની ઉપયોગી ટિપ્સ

ઠંડીની મોસમમાં નવજાત શિશુની વિશેષ કાળજી રાખવા તબીબોનું માર્ગદર્શન; સમય પહેલાં જન્મેલાં બાળકોના સર્વાંગી વિકાસ માટે નિયમિત ફોલોઅપ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના નિયોનેટોલોજી વિભાગ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહ (૧૫થી ૨૧ નવેમ્બર) અને વર્લ્ડ પ્રીમેચ્યોર બેબી ડે નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બાળરોગ નિષ્ણાતોએ નવજાત શિશુની સંભાળ, માતાના દૂધનું મહત્ત્વ અને સમય પહેલાં જન્મેલાં બાળકોની વિશેષ કાળજી અંગે માતાઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. માતાનો સ્પર્શ શિશુ માટે ઢાલ સમાન હોવાનું જણાવી તબીબોએ માતા અને બાળક વચ્ચેના સ્પર્શ તથા હૂંફના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

નિયોનેટોલોજિસ્ટ ડો. સંદીપ ટીલાવાણીએ માતાઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે માતાનું દૂધ શિશુ માટે સંપૂર્ણ આહાર અને શ્રેષ્ઠ પોષણ છે. ખાસ કરીને સમય પહેલાં જન્મેલાં બાળકોના સર્વાંગી વિકાસ માટે નિયમિત તબીબી તપાસ અને ફોલોઅપ અત્યંત જરૂરી છે. આવા બાળકોને નિર્ધારિત સમયાંતરે હોસ્પિટલમાં તપાસ માટે લાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

હાલ ઠંડીની મોસમ શરૂ થઈ હોવાથી નવજાત શિશુને ઠંડીથી બચાવવા વિશેષ કાળજી રાખવાની સલાહ બાળરોગ નિષ્ણાત ડો. યશ્વી દતાણી અને ડો. તરલ કેસરાણીએ આપી હતી. તેમણે શિશુને પૂરતાં સ્તરવાળાં સુતરાઉ ગરમ કપડાં પહેરાવવા, હાથ-પગ અને માથાને ઠંડીથી સુરક્ષિત રાખવા તેમજ ત્વચાનો ભેજ જાળવવા તબીબની સલાહ મુજબ બેબી ઓઇલ અથવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંક્રમણથી બચવા ઘરના સભ્યોએ હાથની સ્વચ્છતા જાળવવી અને બીમાર વ્યક્તિઓને શિશુથી દૂર રાખવા પણ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જી.કે. જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણી, અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. અજીતકુમાર ખીલનાની અને બાળરોગ વિભાગનાં વડા ડો. રેખાબેન થડાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:01 PM IST)