તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
માતાના અમૃતતુલ્ય દૂધથી નવજાતને મળશે નવજીવન: ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ક બેંક શરૂ
એક માતાનું વધારાનું દૂધ અન્ય માતાના બાળક માટે પોષણ અને જીવનરક્ષાનું અમૂલ્ય માધ્યમ બની શકે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે પરંતુ સમય પહેલાં જન્મેલાં, ઓછા વજનવાળાં કે વિશેષ તબીબી સંભાળ હેઠળ રહેલાં કેટલાંક શિશુઓને સંજોગોવશાત્ માતાનું દૂધ મળી શકતું નથી. આવા શિશુઓને સુરક્ષિત માનવ દૂધ ઉપલબ્ધ કરાવી તેમના સ્વાસ્થ્યનું જતન કરવાના ઉમદા હેતુથી ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી Comprehensive Lactation Management Centre (CLMC) એટલે કે જીવન અમૃત હ્યુમન મિલ્ક બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સરકારી મેડિકલ કોલેજ, ભાવનગરના ડીન ડૉ. ચિન્મય શાહ, તબીબી અધિક્ષક તથા માઇક્રોબાયોલોજી વિભાગનાં વડા ડૉ. કેરવી દેસાઈ, બાળરોગ વિભાગના વડા ડૉ. મેહુલ ગોસાઈ અને સ્ત્રીરોગ તથા પ્રસૂતિ વિભાગનાં વડા ડૉ. કનકલતા નકુમના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું આ કેન્દ્ર અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
આ મિલ્ક બેંકમાં સ્વસ્થ ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દાનમાં મળતા દૂધને એકત્રિત કરી, જરૂરી તપાસ અને પેશ્ચ્યુરાઇઝેશન બાદ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ તબીબી જરૂરિયાત મુજબ નવજાત શિશુઓને આ દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવશે. માતા બીમાર હોય અથવા શિશુ સીધું ધાવણ લઈ શકતું ન હોય તેવા સંજોગોમાં દાનમાં મળતું માતાનું દૂધ જીવનરક્ષક સાબિત થઈ શકે છે.
આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૯માં સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. વર્ષ ૨૦૨૨માં ડૉ. મેહુલ ગોસાઈએ સિંગાપોરની K K Women’s Hospital ખાતે કાર્યરત CLMC કેન્દ્રનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેના ધોરણોને અનુરૂપ ભાવનગરમાં આ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન મોક ટ્રાયલ બાદ હવે કેન્દ્રની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રારંભિક તબક્કામાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે જન્મેલાં સમય પહેલાં જન્મેલાં (Pre-term) અને ગર્ભાશયમાં પૂરતો વિકાસ ન થયો હોય તેવાં (IUGR) શિશુઓને આ સુવિધાનો લાભ મળશે. કેન્દ્રની અંદાજિત દૈનિક દૂધની જરૂરિયાત ૧,૫૦૦થી ૨,૦૦૦ મિલીલીટર રહેવાની અપેક્ષા છે.
કેન્દ્રના ઇન્ચાર્જ નોડલ અધિકારી તરીકે બાળ આરોગ્ય વિભાગનાં મદદનીશ પ્રાધ્યાપક અને પ્રમાણિત લેક્ટેશન કન્સલ્ટન્ટ ડૉ. ડિમ્પલ પટેલ શ્રીધરાણીની નિમણૂક કરવામાં આવી છે. તબીબી, નર્સિંગ અને કાઉન્સેલિંગ ટીમના સંકલિત સહયોગથી આ સેવા કાર્યરત રહેશે.
દૂધદાનથી કોઈક બાળકને મળશે જીવનની નવી આશા
જે ધાત્રી માતાઓ પોતાના બાળકને ધવડાવ્યા બાદ વધારાનું દૂધ ધરાવતી હોય, તેઓ તબીબી માર્ગદર્શન હેઠળ સ્વૈચ્છિક દૂધદાન કરીને અન્ય નવજાત શિશુઓના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. દૂધદાન નિઃશુલ્ક અને ગોપનીય પ્રક્રિયા છે. એક માતાનું વધારાનું દૂધ અન્ય માતાના બાળક માટે પોષણ અને જીવનરક્ષાનું અમૂલ્ય માધ્યમ બની શકે છે.
મિલ્ક બેંકની માહિતી માટે મોબાઈલ નંબર ૭૦૪૬૫૦૧૧૮૪ ઉપર સવારે ૯થી સાંજે ૬ વાગ્યા દરમિયાન સંપર્ક કરવો.
જીવન અમૃત મિલ્ક બેંક દ્વારા ભાવનગરમાં માતૃત્વની મમતા અને માનવતાની ભાવનાને નવું માધ્યમ મળ્યું છે. એક માતાનું દૂધ અનેક નવજાત શિશુઓ માટે આશા અને નવજીવનનું કારણ બની શકે છે.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડૉ. હરેશ વાળા, મદદનીશ નાયબ નિયામક ડૉ. કલ્પના ચૌહાણ, RMO ડૉ. તુષાર આદેશરા, ડૉ. આર. કે. શાહ, CDHO ડૉ. કોકિલા સોલંકી, ડૉ. મુકેશ પટેલ, BMA ચેરમેન ડૉ. એમ. આર. કાનાણી, IMA પ્રેસિડેન્ટ ડૉ. હરદેવસિંહ મોરી સહિત આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ, સરકારી મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના વડાઓ, તબીબી શિક્ષકો, ખાનગી તબીબો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
