તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
કચ્છના સુખપર (રોહા) ગામે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ
નખત્રાણા તાલુકાના ગ્રામ્ય નાગરિકોને ઘરઆંગણે મળશે પ્રાથમિક સારવાર, રસીકરણ, માતા-બાળ આરોગ્ય અને વિવિધ રોગોના સ્ક્રીનિંગ સહિતની સુવિધાઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને નાગરિકોને ઘરઆંગણે જ સમયસર તબીબી સુવિધાઓ મળી રહે તે દિશામાં નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થવાથી સુખપર (રોહા) સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે જ મળી રહેશે. નવા આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી દર્દીઓની પ્રાથમિક તપાસ, માતા અને બાળકલ્યાણલક્ષી સેવાઓ, રસીકરણ તથા બિનચેપી રોગોના સ્ક્રીનિંગ જેવી મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય શિક્ષણ અને રોગોના નિવારણ અંગે જનજાગૃતિ કેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે. સમયસર રોગનું નિદાન, યોગ્ય માર્ગદર્શન અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય નાગરિકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં સરળતા રહેશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રી મંજુલાબેન મૂળજી ચાવડા, સામાજિક અગ્રણીશ્રી મોહનભાઈ ચાવડા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખશ્રી વસંતભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ પટેલ, નખત્રાણા તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી ભારતીબેન નીતિનગીરી ગૌસ્વામી, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રી જશોદાબેન બળીયા તથા સુખપર (રોહા) જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી વિક્રમભાઈ ગરવા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય વિભાગ તરફથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. પ્રસાદ, સાયરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સાવંત રાઠોડ, તાલુકાના આરોગ્ય સુપરવાઈઝરશ્રીઓ તથા સુખપર (રોહા) ખાતે ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ. જયદીપસિંહ રાઠોડ, સી.એચ.ઓ. ઋતુબેન પરમાર અને એફ.એચ.ડબલ્યુ. ઉષાબેન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાને વધુ સુદૃઢ બનાવવા અને પ્રાથમિક તબીબી સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સુખપર (રોહા)નું આ નવું આયુષ્માન આરોગ્ય મંદિર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેમ જિલ્લા પંચાયત કચેરી, કચ્છની આરોગ્ય શાખા દ્વારા જણાવાયું છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
