હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના સિરામિક એકમ પાસેથી ટાઈલ્સ મંગાવી મુંબઈના શખ્સે રૂ.44 લાખનો ધુંબો માર્યો.
45 દિવસની ક્રેડિટ પર ટાઈલ્સનો માલ મંગાવ્યો, પેમેન્ટ કરવા ટાણે સિમ કાર્ડ બંધ કરી દીધું : ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સિરામિક ઉદ્યોગમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈના એક શખ્સે મોરબીની સિરામિક ફેક્ટરીનો સંપર્ક કરી મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના બહાને લાખો રૂપિયાના ટાઇલ્સના બોક્સનો ઓર્ડર આપ્યો હતો. શરૂઆતમાં માત્ર સેમ્પલ મંગાવી વિશ્વાસ કેળવ્યા બાદ 45 દિવસની શાખ પર મોટો માલ ખરીદવામાં આવ્યો હતો. પરંતુ સમય મર્યાદા પૂરી થવા છતાં પેમેન્ટ ન ચૂકવી અને સંપર્ક તોડી નાખી વેપારી સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસ મથકમાં અંદાજે 44 લાખથી વધુની છેતરપિંડી અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 27/04/2026 ના રોજ મોરબીના રંગપર ગામ પાસે આવેલી વેલેન્ઝા ગ્રેનીટો એલ.એલ.પી. નામની કંપનીના માર્કેટિંગ કર્મચારી પર મુંબઈથી એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખરે પોતાની પ્રખેતુ વેન્ચર્સ એલ.એલ.પી. નામની પેઢી હોવાની અને મુંબઈમાં મોટું કન્સ્ટ્રક્શન ચાલતું હોવાની ઓળખ આપી હતી. તેણે ક્રેડિટમાં ટાઇલ્સ ખરીદવાની ઈચ્છા દર્શાવી કંપની પાસેથી સેમ્પલ મંગાવ્યા હતા. સેમ્પલ પસંદ આવ્યા બાદ તેણે 7865 બોક્સ ટાઇલ્સનો ઓર્ડર આપ્યો હતો અને 45 દિવસ પછી પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યો હતો. સ્થાનિક પરિચય માટે તેણે મિલેનિયમ સિરામિકવાળાનો નંબર આપ્યો હતો, જેના પર વાત કરતા તે વ્યક્તિએ પણ રજનીકાંતભાઈ વેપારી માણસ હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો.
વેપારીક વિશ્વાસ બેસી જતા કંપની દ્વારા અલગ-અલગ ડિઝાઈનના કુલ 7865 બોક્સ ટાઇલ્સ રાજ શક્તિ રોડવેઝ ટ્રાન્સપોર્ટ મારફતે મુંબઈ મોકલી આપવામાં આવ્યા હતા. આ માલની કુલ કિંમત 44,74,985 રૂપિયા જેટલી થવા જાય છે. જોકે, 45 દિવસનો સમય પૂર્ણ થયા બાદ પેમેન્ટ અંગે ઉઘરાણી કરવા માટે રજનીકાંતભાઈના મોબાઈલ નંબર પર વારંવાર ફોન કરવા છતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. વધુ તપાસ કરતા રેફરન્સ માટે આપેલા મિલેનિયમ સિરામિકવાળાનો મોબાઈલ નંબર પણ સતત બંધ આવતો હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા ફેક્ટરીના ભાગીદાર ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ છેતરપિંડીના બનાવમાં ફરિયાદ મોડી નોંધાવવા પાછળનું કારણ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે લાખો રૂપિયાનો માલ સલવાઈ જતા કંપનીના સંચાલકોએ પ્રાથમિક તબક્કે તેમની પોતાની રીતે મુંબઈ ખાતે રહેતા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લાંબા સમય સુધી ખાનગી રાહે તપાસ કરવા છતાં આરોપી અંગે કોઈ જ સચોટ માહિતી કે સગડ મળ્યા ન હતા. આજદિન સુધી તેનો કોઈ સંપર્ક ન થઈ શકતા આખરે થાકીને કંપનીના ભાગીદારોએ કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. આથી તેઓ પોતાના અન્ય ભાગીદારો રમેશભાઈ અઘારા અને માર્કેટિંગ કર્મચારી જીતભાઈ વાસજાળીયા સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
