News of Saturday, 28th November 2026
ભુજની જેલમાંથી પાંચ વર્ષથી ફરાર હત્યાના આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો
માંડવીના મસ્કા હત્યા કેસમાં વચગાળાના જામીન પર ફરાર થયેલા આરોપીનું વોટ્સએપ, મોબાઇલ સીડીઆર અને ટોલપ્લાઝાના ડેટાથી પેરોલ ફ્લો સ્કવોડે શોધ્યું પગેરું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : માંડવીના મસ્કા ગામે થયેલા હત્યા કેસમાં પાલારા ખાસ જેલમાંથી છેલ્લા પાંચ વર્ષથી વચગાળાના જામીન પર ફરાર થયેલા આરોપીને પશ્ચિમ કચ્છની પેટ્રોલ ફ્લાઈંગ સ્ક્વોડે રાજસ્થાનના જોધપુર નજીકથી ઝડપી પાડ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ સીડીઆર અને ટોલપ્લાઝાની ટ્રાવેલ હિસ્ટ્રીના વિશ્લેષણના આધારે આરોપી સુખજિંદરસિંઘ ઉર્ફે સુખી હજૂરસિંઘ જાટ (સરદાર)નું પગેરું મેળવી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી વારંવાર પંજાબથી રાજસ્થાન તરફ બાય રોડ મુસાફરી કરતો હતો. ભારતમાલા હાઈવે પર ઉગલાઈ ગામ નજીક એક હોટલમાં રાત્રિ રોકાણ કરતો હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરાઈ હતી. વોટ્સએપ અને મોબાઇલ લોકેશન સહિતની વિગતોનું વિશ્લેષણ કરતાં આરોપી ઉગલાઈ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ટીમે જોધપુર રોડ પર આવેલી ‘મા નાગરેચા હોટલ’ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, માંડવી તાલુકાના મસ્કા ગામે ટી.બી. હોસ્પિટલ સામે બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી આશિષ ચંદ્રકાંત જોશી (ઉં.વ. ૩૨)ની હત્યા કરી હતી. તેઓ ઓટલા પર બેઠા હતા ત્યારે પલ્સર બાઈક પર આવેલા શખ્સોએ રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા આશિષભાઈને ૧૦૮ મારફતે માંડવી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોજ જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી પાલારા જેલમાં સજા ભોગવતો હતો, પરંતુ વચગાળાના જામીન બાદ ફરાર થઈ ગયો હતો. પાંચ વર્ષ બાદ તેને ઝડપી પાડી પોલીસે ફરી પાલારા ખાસ જેલમાં સોંપ્યો છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
