<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના કાંઠેથી સિંહણનો રહસ્યમય મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ

સિંહણનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકના વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સરંભડા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીના કાંઠેથી આજે બપોરના સુમારે એક સિંહણનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકના વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

        પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સરંભડા ગામ નજીકથી વહેતી શેત્રુંજી નદીના કિનારે એક સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક ગ્રામજનોને થઈ હતી, જેને પગલે વન વિભાગને તાકીદે આ અંગેની જાણ કરવામાં આવી હતી. વન્યજીવ સૃષ્ટિના એશિયાટિક સિંહ જેવા મહત્વના પ્રાણીના મોતના સમાચાર મળતા જ વન વિભાગની સ્થાનિક ટીમ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સિંહણનું મૃત્યુ કુદરતી છે કે અન્ય કોઈ શંકાસ્પદ કારણોસર થયું છે તે અંગે હાલ વનતંત્રમાં ભારે રહસ્ય અને ચર્ચાઓ જાગી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા સિંહણના મોતના ચોક્કસ અને સચોત કારણો જાણી શકાય તે હેતુથી તેના પાર્થિવ દેહને વાઇલ્ડ લાઇફ વિભાગના ક્રાકજ એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ  અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાકજ ખાતે થનારા પેનલ પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ સિંહણના મોતના સાચા કારણ પરથી પડદો ઊંચકાશે. બીજી તરફ, આ ઘટનાને પગલે વન વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા સિંહણના મોતના પગેરા મેળવવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે શિકાર જેવી આશંકાઓને ચકાસવા માટે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં વ્યાપક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે

(8:01 PM IST)