તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
તળાજામાં સોની વૃદ્ધ દંપતીની પથારીમાં જ સુતેલી હાલતે દાઝી ગયેલ નગ્ન લાશો મળી!
રહસ્ય સાથે અનેક સવાલો ઉભા કરતી ઘટનાઃ રાજકોટથી આવેલ પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે ફરીને રાત્રે આવ્યા બાદ અડધી રાત્રિબાદ કાળે ખેલ્યો ખેલઃ દંપતી સળગી ગયું પરંતુ પથારીનો પૂરો ઓછાડ પણ નથી સળગ્યોઃ ઓશીકું, મોબાઈલ પણ સલામત!

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: તળાજાના રામટેકરી રોડ પર રહેતા જીવનની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતી ની આજે તેમનાજ ઘરે થી પથારીમાં સુતા હોય અને આગને કારણે દાઝી ગયા હોય તેવી નગ્ન હાલતે લાશો ને પોલીસે કબ્જે લીધી હતી. કાળ એ આ ખેલ રાત્રે ૧૧ વાગ્યાથી લઈ ૨ વાગ્યા સુધીમાં ખેલ્યો છે.
જેની સૌપ્રથમ જાણ મળતક દંપતીના દીકરાને થઈ હતી. એ સમયે તે મિત્રો સાથે ધારડી ખાતે હાઇવે પર આવેલ હોટલ પર ચા પીવા ગયો હતો. પોલીસે મોત નું સાચું કારણ જાણવા ભાવનગર પેનલ પી.એમ કરાવેલ છે. પોલીસે હાલ તો આગથી દાઝી જવાના કારણે દંપતીનું મળત્યુ થયાનું નોંધી તપાસ હાથધરી છે.જોકે જે રીતે દંપતીની લાશો પથારી ઉપર પડી હતી,સાથે રૂમ અને પથારીનું બારીકાઈથી પોલીસે કરેલ નિરીક્ષણને લઈ આ ઘટના અનેક શંકાઓ ઉપજાવી રહી છે.
તળાજાના ધનબાઈમા ચોક ખાતે ગોપાલ વોચ અને દેવડી ચોક ખાતે ન્યુ ગોપાલ જવેલર્સના નામે વેપાર ધંધો કરતા સોની વૈઠા પરિવારના કિશોરભાઈ વેલજીભાઈ અને તેના પત્ની રેખાબેન કિશોરભાઈની અર્ધ સળગેલી લાશ રામટેકરી રોડપર આવેલ તેમના નિવાસસ્થાનેથી પોલીસે રાત્રે આશરે ૩.૩૦ બાદ કબ્જે લીધી હતી.આ બનાવ ના પગલે આસપાસ ના રહીશો, હોમગાર્ડ, ફાયર અને પો. ઇ. વી.આર.ચાવડા પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા.
પોલીસને મળતક દંપતીના પુત્ર વિમલભાઈએ જણાવ્યું હતુ કે પોતે રાત્રે બે વાગ્યા આસપાસ ધારડી ગામે હાઇવે પર મિત્રો સાથે ચા પીતા હતા ત્યારે દીકરીનો ફોન આવેલ કે કશુંક બળે છે,ધુમાડો નીકળે છે ની વાશ આવે છે.
આથી તેઓએ ઘરે આવી ને જોતા પોતાના મમ્મી પપ્પા સળગેલી હાલતમા પથારીમાં મળત હાલતે જોવા મળ્યા હતા.આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી!.બનાવ બન્યો ત્યારે મળતક દંપતીની પુત્રવધુ અને પૌત્રી ઉપર ના માળે જ સુતા હતા.પોલીસે હાલ અકસ્માત એ મોત થયાનું નોંધી તપાસ હાથ ધરીછે.
ઉલ્લેખનીય છેકે મળતક દંપતીનો પુત્ર વિમલ છેલ્લા ચાર-પાંચ વર્ષથી પત્ની અને દીકરી સાથે રાજકોટ સ્થાયી થયો હતો. એક જ દીકરો હતો. ત્યાં સોના ચાંદીના શો રૂમમાં નોકરી કરતો હતો. છેલ્લા બે દિવસથી તળાજા આવેલ અને માતા પિતાસાથે પોતાની કારમાં ધાર્મિક સ્થળોએ ફરી રહ્યા હતા.ગઈકાલે જ તેઓ સાળંગપુર ગયા હતા.રાત્રે અહીં ધાબે સૌ સાથે જમ્યા બાદ પરિવારને ઘરે મૂકી ને રાત્રે ૧૦.૪૫ આસપાસ મિત્રો સાથે બહાર ગયેલ હતો.
સ્થળ નિરીક્ષણ દરમિયાન પોલીસ ને જોવા મળ્યું હતું કે જે પથારીમાં(ગાદલા) આગ લાગેલ જોવા મળી રહી છે,દંપતી દાઝી ગયેલ છે,દેહપર વષાો નથી તેની સાથે આગ માત્ર દંપતી સુતું છે ત્યાંજ છે,ગાદલા પર પાથરેલ ઓછાડ પૂરો સળગ્યો નથી. કિશોરભાઈના માથાનું ઓશીકુ પણ સળગેલ નથી. બાજુમાં બે મોબાઈલ પડ્યા છે મોબાઈલને જરાપણ આગને લઈ નુકશાન નથી. દીવાલો,લાદી,ફર્નિચર પર આગના ધૂમડા કે ડાઘા જોવા મળ્યા ન હતા.શોટ સર્કિટ ને કારણે આગ લાગી હોય તેવા પણ કોઈજ નિશાન ન હતા આવા અનેક કારણો દંપતીના મોતને ઘેરા રહસ્ય તરફ લઈ જાય છે ની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આસપાસના રહીશીએ કહ્યું કોઈજ રાડ કે ચીંસો સાંભળવા મળીનથી!.
સુતાબાદ આગની લપેટમા આવીને મોત ને ભેટયા હોવાના સામે આવેલ પ્રાથમિક દ્રશ્યોએ આસપાસના રહીશોમા પણ અનેક સવાલો સાથે ચકચાર જગાવી છે. બનાવ બન્યો એ ગીચ રહેણાંક વિસ્તાર છે. મોટેથી અવાજ પાડે તો પડોશીઓને ખબર પડે. આગની લપેટમા આવે અને બે માંથી એકપણ વ્યક્તિ ચીસો ન પાડે તે કેમ બને? તરફડીયા મારે, ગ્રાઉન્ડ ફ્લોરના જે રૂમમા સુતા હતા તેનુ બારણું પણ ખુલ્લું હતું. બે માંથી એક દોડીને બહાર તો આવી શકેને?! તેમાનું કશુંજ બન્યું નથી.ઓછાડના ખૂણા પણ ગાદલામા ખોસેલ જોવા મળ્યો હતા.બે ભાન હાલત જેવી દશા મા હોય તો ઉપર જણાવ્યા મુજબ ની મુવમેન્ટ જોવા ન મળે તેવું પણ આ કેસમાં બન્યું નથી.
મોત અને આગનું કારણ એક્સપર્ટ અભિપ્રાય બાદઃ પો.ઇ.ચાવડા
સોની દંપતી ના મોત ને લઈ નગરમા અનેક તર્ક અને સવાલો સાથે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.મીડિયા કર્મીઓના આ ઘટનામાં શુ લાગે છે? પરિવાર મા મિલ્કત ને લઈ વિવાદ છે સહિતની વાતો જણાવતા અને જાણવા માંગતા હતા.કેટલાક લોકોએ તો ચહેરો જોવા માટે ફેસબુક પણ ખોલી નાખી હતી. વિમલ ના આઈ.ડી મા તેમના માતા પિતા નો ફોટો કયાંય જોવા મળ્યો ન હતો. દંપતીના મળત્યુને લઈ પો.ઇ. ચાવડા એ જણાવ્યું હતુ કે ભાવનગર પેનલ પી.એમ કરાવેલ છે.તબીબ ના અભિપ્રાય બાદ બંને ના મોતનું કારણ જાણવા મળશે. સાથે આગ લાગવાનું કારણ પણ એફ.એસ.એલ.અધિકારી દ્વારા સ્થળપરનું નિરીક્ષણ કરી અભિપ્રાય આપે બાદ જ ખબર પડશે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
