<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જુનાગઢના પરણેલા અસલમ સાથે લિવ ઇનમાં રહેતી નવાગઢની નંદીનીનો રાજકોટમાં આપઘાતઃ મારકુટ થયાનો પિતાનો આક્ષેપ

૨૩ વર્ષની નંદીની જુનાગઢમાં એમઆર તરીકે નોકરી કરતી હોઇ પીજીમાં રહેતી ત્‍યારે અસલમે ફસાવીઃ પછી બીજી છોકરીઓ સાથે પોતાનો જ રૂમ ભાડે આપ્‍યો હતોઃ ગત દિવાળીએ કરાર કરી બંને રાજકોટ રહેતાં હતાં: ગઇકાલે નંદીનીએ નાની બહેનને મેસેજ કરી મારકુટ થયાની, પોતે અલગ રહેશે તેવી વાત કરી પછી ગળાફાંસો ખાધેલી લાશ મળી

 

દિકરીનો મેસેજ આવતાં પિતાએ રાજકોટ રહેતાં સગાને તેણીના ઘરે વાવડી આગમ ન રેસીડેન્‍સી ખાતે તપાસ કરવા મોકલતાં દરવાજો બંધ હતો તે તોડીને જોતાં નંદીની લટકતી મળીઃ તાલુકા પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું: યુવાન દિકરીના પગલાથી નવાગઢના બોસમીયા પરિવારમાં ગમગીનીં

પિતાએ કહ્યું-મારી દિકરી ગઇકાલે જંગલેશ્વરમાં અસલમના માસીના ઘરે ગઇ ત્‍યાં મારકુટ થઇ, વિંખોડીયાના નિશાનઃ અગાઉ અસલમની સાસુ, સસરા, પત્‍નિએ પણ માર માર્યો હતોઃ દિકરીને ફસાવાઇ હતી અને સતત ત્રાસ હતો

નંદીની બોસમીયાનો નિષ્‍પ્રાણ દેહ અને  નંદીનીનો અસલમ સાથેનો ફોટો જોઇ શકાય છે, જે તેના સગાએ આપ્‍યો હતો

રાજકોટ તા. ૨૩: એક વિધર્મી શખ્‍સની મોહજાળમાં ફસાયેલી વધુ એક પરિવારની દિકરીનો જીવ ગયો છે. જેતપુરના નવાગઢની વતની ૨૩ વર્ષની યુવતિ જુનાગઢના પરણેલા વિધર્મી શખ્‍સ સાથે લિવ ઇન કરાર કર્યા પછી રાજકોટમાં ગોંડલ રોડ પરીન ફર્નિચરવાળી શેરીમાં આવેલા આગમન એપાર્ટમેન્‍ટમાં રહેતી હતી. અહિ તેણીએ સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ પગલુ ભરતાં પહેલા યુવતિએ નાની બહેનને મેસજ કરી માથાકુટ થયાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં માતા-પિતા સહિતના સ્‍વજનો રાજકોટ દોડી આવ્‍યા હતાં. દિકરીને મારકુટ થયાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પરીન ફર્નિચર પાસે આગમન રેસીડેન્‍સી ફલેટ નં. ૫૦૧માં રહેતી નંદીની આનંદભાઇ બોસમીયા (ઉ.વ.૨૩)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી તબીબ મારફત થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એસ. એમ. માડમ સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર નંદીની મુળ જેતપુર નવાગઢની વતની હતી. તેણી બે બભાઇ અને એક બહેનમાં મોટી હતી.

તેણીના પિતા આનંદભાઇ વૃજલાલભાઇ બોસમીયા નવાગઢમાં ઇદ મસ્‍જીદ ધાર દશામાના મંદિર પાસે રહે છે. દિકરીએ આપઘાત કર્યાની જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્‍યા હતાં. આનંદભાઇએ કહ્યું હતું કે-મારે બે દિકરી અને એક દિકરો છે જેમાં નંદીની મોટી હતી. તે અગાઉ જુનાગઢમાં એમઆર તરીકે નોકરી કરતી હોઇ બીજી છોકરીઓ સાથે પીજીમાં રહેતી હતી. જુનાગઢમાં તે કોઇપણ રીતે અસલમ હુશેનભાઇ સમા કે જે જુનાગઢ ધરારનગરમાં રહે છે અને પરણેલો છે તેના સંપર્કમાં આવી હતી. આ શખ્‍સે બાદમાં મારી દિકરી અને બીજી છોકરીઓને પોતાનો જ એક રૂમ રહેવા માટે ભાડેથી આપ્‍યો હતો.

કોઇપણ રીતે તેણે મારી દિકરીને ફસાવી લીધી હતી અને પ્રેમજાળમાં ફસાયેલી મારી દિકરી ગત દિવાળીના તહેવાર વખતે તેણીની માતા સાથે જામનગર દવા લેવા જતી હતી ત્‍યારે રાજકોટ બસ સ્‍ટેશન ખાતેથી ગાયબ થઇ જતાં અમે જે તે વખતે એ-ડિવીઝ પોલીસમાં જાણ કરી હતી. બાદમાં તા. ૨૭/૧૦/૨૫ના રોજ દિકરી નંદીની અને અસલમ સમાએ પોતે મૈત્રી કરાર કરી લીધા છે અને લિવ ઇન રીલશનશીપમાં રહેશે તેવુ કહી પોલીસ સમક્ષ કરાર સાથે રજુ થયા હતાં. અમને આ વાતની ખબર પડતાં ખુબ આઘાત લાગ્‍યો હતો. પણ દિકરીની ખુશી સામે વધુ કંઇ બોલી શક્‍યા નહોતાં.

અગાઉ દિકરી અને અસલમ કરાર કરી જુનાગઢમાં જ રહેતાં હતાં. ત્‍યારે મારી દિકરીને અસલમના માતા, પિતા અને પત્‍નિએ મળી મારકુટ કરતાં અમે તે વખતે જુનાગઢ પોલીસમાં ફરિયાદ કરી હતી. કેટલાક સમયથી દિકરી નંદીની અને અસમલ રાજકોટ પરીન ફર્નિચરવાળી શેરીમાં આગમન રેસીડેન્‍સીમાં રહેવા આવ્‍યા હતાં.

આનંદભાઇ બોસીયાએ વધુમાં જણાવ્‍યું કે ગઇકાલે નંદીનીએ મારી નાની દિકરીને સાંજે મેસેજ કર્યો હતો અને પોતાને અસલમ સાથે માથાકુટ થયાનું અને પોતે જંગલેશ્વરમાં અસલમના માસીના ઘરે ગઇ ત્‍યારે અસલમે મારકુટ કર્યાનું કહ્યું હતું. હવે પોતાને પોતાની ભુલ સમજાઇ ગઇ છે અને હવે પોતે એકલી રહી નોકરી કરશે તેવી વાત કરી હતી. આથી અમને શંકા ઉપજતાં અને ચિંતા થતાં દિકરીને ફોન જોડયો હતો. પણ ફોન રીસીવ ન થતાં રાજકોટ રહેતાં એક સગાને દિકરી જ્‍યાં રહે છે ત્‍યાં તપાસ કરવા મોકલતાં તેઓ ત્‍યાં જતાં દરવાજો બંધ હતો. ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં દિકરી નંદીની લટકતી મળી હતી. ૧૦૮ બોલાવાઇ હતી પણ તેના ડોક્‍ટરે મારી દિકરીને મૃત જાહેર કરી હતી.

આનંદભાઇએ આક્ષેપો સાથે કહ્યું હતું કે મારી દિકરીને પરણેલા શખ્‍સ અસલમે ફસાવી હતી અને  લિવ ઇન કરાર કરી લીધા હતાં. તે મારી દિકરીને નોકરી કરવા પણ જવા દેતો નહિ, તેમજ મારી દિકરી તેને તેણીની પત્‍નિ બાબતે પુછતી તો તે મારકુટ કરતો હતો. તેની મારકુટને કારણે માઠુ લાગતાં મારી દિકરીએ આ પગલુ ભર્યુ છે.  મારકુટનો આક્ષેપ થયો હોઇ તાલુકા પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ સલિમભાઇ એમ. માડમે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી બોસમીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(11:00 AM IST)