News of Wednesday, 25th November 2026
બાઇક સ્લીપ થતાં બાબરાના વાવડાના ખેડૂત નાનજીભાઇ મકવાણાનું મૃત્યુ
૭૦ વર્ષિય વૃધ્ધ ગોખલાણાથી ઘરે આવતાં હતાં: રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા.૨૫: બાબરાના ગોખલાણા અને વાવડા ગામ વચ્ચેના રસ્તા પર બાઇક સ્લીપ થઇ જતાં વાવડા ગામના વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.જાણવા મળ્યા મુજબ વાવડા ગામે રહેતાં નાનજીભાઇ ગગજીભાઇ મકવાણા (ઉ.વ.૭૦) સાંજે ઘરેથી નજીકના ગોખલાણા ગામે કોઇ કામ માટે ગયા હતાં. બાદમાં સાડા પાંચેક વાગ્યે પરત પોતાના ઘરે આવી રહ્યા હતાં એ વખતે ગોખલાણા-વાવડા વચ્ચેના રસ્તા પર તેમનું બાઇક સ્લીપ થઇ જતાં માથા શરીરે ગંભીર ઇજાઓ થતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર નાનજીભાઇ મકવાણા ત્રણ બહેન અને પાંચ ભાઇમાં વચેટ હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બાબરા પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
