હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના રાપરમાં ભ્રષ્ટાચારના કારણે નર્મદા કેનાલની દુર્દશા: પ્રજાકીય પ્રતિનિધિઓની તડાપીટને પગલે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ચીમકી : અધિકારી રાજ નહીં ચાલે !
નર્મદા આધારિત ૩૯ ગામોમાં માનવસર્જિત પાણીની તંગી સામે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આક્રોશ, અધિકારીઓ દ્વારા પાણીના ટેન્કર અને કેનાલ સફાઈના મુદ્દે બનતા બિલો શંકાના દાયરામાં; રૂ. ૬ કરોડની ગ્રાન્ટના ઉપયોગ સહિતના આક્ષેપોની તપાસ માટે ખાસ કમિટી રચવાનો આદેશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦ : કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રાપર તાલુકાનાં ૩૯ ગામોમાંથી પસાર થતી હોવા છતાં આજે પણ આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ કેનાલમાં પાણી ઉપલબ્ધ હોવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ગામડાંમાં પીવાના પાણીની અનિયમિતતા અને સિંચાઈના પાણીની સમસ્યા યથાવત્ છે. નર્મદા યોજના, સિંચાઈ વિભાગ અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રાપર તાલુકાના પ્રજાકીય પ્રતિનિધિઓએ કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સમક્ષ આક્રમક રજૂઆતો કરી હતી. બેઠકમાં કેનાલોની સફાઈ, રિપેરિંગ, ટેન્કર દ્વારા પાણી વિતરણ, ડીઝલ વપરાશ, બોગસ બિલો અને રોજમદાર કર્મચારીઓની ભરતી સહિતના મુદ્દાઓ ઉછળતાં ભારે ગરમાગરમી સર્જાઈ હતી. રજૂઆતોની ગંભીરતા જોતા મંત્રીએ તપાસના સંકેત આપતાં સ્પષ્ટ કર્યું હતું કે ગેરરીતિઓની તપાસ થશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે.
રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી ખાતે કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક તાલેની અધ્યક્ષતામાં તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં અધિકારીઓની ઉદાસીનતા અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓને લઈને બેઠકમાં પદાધિકારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
*કેનાલમાં પાણી કરતાં બાવળ અને માટીના થર વધુ!*
બેઠકમાં નર્મદા યોજના અને સિંચાઈ વિભાગની કામગીરી સામે સૌથી ગંભીર સવાલો ઊભા થયા હતા. જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોએ રજૂઆત કરી હતી કે ડિસ્ટ્રિક્ટ અને સબ-ડિસ્ટ્રિક્ટ માઇનોર કેનાલોમાં વર્ષોથી સફાઈ અને રિપેરિંગના નામે માત્ર કાગળ પર કામગીરી દર્શાવી કરોડો રૂપિયાનાં બિલો પાસ કરી લેવામાં આવતાં હોવાના આક્ષેપો છે. વાસ્તવિક સ્થિતિમાં કેનાલોમાં માટીના મોટા થર જામી ગયા છે અને હજારો ટન બાવળ ઊગી નીકળ્યાં છે. આ અંગે કેનાલોની હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ પણ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફોટા જોઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ટકોર કરતાં કહ્યું હતું કે, ‘આ કેનાલમાં બાવળ ઊગ્યાં છે કે બાવળ ઉપર કેનાલ છે? આમાં ક્યાંય કેનાલ જેવું લાગતું નથી, માત્ર પથ્થર દેખાય છે!’
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ મુદ્દે અગાઉ અનેક વખત કલેક્ટર અને પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગત વર્ષે નર્મદા યોજના હેઠળ રૂ. ૬ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં સ્થળ પર કામગીરી દેખાતી નથી. કેનાલ પર ગેટમેન હાજર ન હોવા છતાં તેમના નામે કામગીરી અને ચુકવણી થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
આ રજૂઆતોને ગંભીરતાથી લઈને પ્રભારી મંત્રીએ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) અને જનપ્રતિનિધિઓના પ્રતિનિધિઓની ખાસ કમિટી રચીને સમગ્ર મામલે તપાસ કરવાનો તાત્કાલિક આદેશ આપ્યો હતો. પ્રાંત અધિકારી અભિષેક તાલેએ આગામી પહેલી તારીખે સ્થળ પર જઈને રૂબરૂ સમીક્ષા કરી પ્રશ્નોના ઝડપી ઉકેલની ખાતરી આપી હતી.
*ટેન્કરનાં ફેરા, ડીઝલ અને બોગસ બિલોનો મુદ્દો ગરમાયો*
પાણી પુરવઠા બોર્ડની કામગીરી સામે પણ બેઠકમાં ગંભીર આક્ષેપો થયા હતા. રાપર તાલુકામાં પાણીની પાઇપલાઇન અને ટેન્કરની વ્યવસ્થા હોવા છતાં અનેક ગામોમાં દસથી બાર દિવસે પાણી મળતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ ટેન્કર દ્વારા પાણી વિતરણના કાગળ પર રોજિંદા ફેરા દર્શાવી લાખો રૂપિયાનું ડીઝલ વપરાશ બતાવવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે કેટલાક ગામોમાં દરરોજ ટેન્કરના ફેરા દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતામાં ગ્રામજનોને પૂરતું પાણી મળતું નથી. ટેન્કરના બોગસ ફેરા, ડીઝલ વપરાશના હિસાબો, બોગસ ખરીદીના બિલો અને અન્ય શંકાસ્પદ ચુકવણીઓની તપાસ કરવામાં આવે તો પાણી પુરવઠા બોર્ડનું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.
આ ઉપરાંત બોગસ કર્મચારીઓને રોજમદાર તરીકે ભરતી કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની તપાસ કરવાની માંગ ઉઠી હતી. હોદ્દેદારોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કાગળ પર પાણી વિતરણ અને કામગીરીના આંકડા બતાવી સરકારી નાણાંની ઉચાપત થતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આડેસર ગામે કરોડોના ખર્ચે બનીને તૈયાર થયેલ ૬૬ કેવી વીજ સબસ્ટેશન ચાલુ કરવા માંગ કરાઈ હતી.
આ બેઠકમાં કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક તાલે, મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નાયબ મામલતદાર બી.ડી. કોરાટ, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર બાંભણીયા, આર.કે. શર્મા, જિલ્લા પંચાયત સદસ્ય જયદીપસિંહ જાડેજા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, જેરામભાઈ સોનારા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોર, રામજીભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, મહેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, ભીખુભા સોઢા, વિનુભાઈ થાનકી, મદુભા વાઘેલા સહિત પાણી પુરવઠા અને નર્મદા વિભાગના અધિકારીઓ તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(નોંધ: પાણી પુરવઠા, સિંચાઈ અને નર્મદા વિભાગ અંગેના ભ્રષ્ટાચારના મુદ્દાઓ બેઠકમાં કરવામાં આવેલી રજૂઆતો અને આક્ષેપો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ તેની સત્યતા અને જવાબદારી નક્કી થશે.)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
