<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ભાવનગરના તળાજામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જરૂરિયાતમંદ વડીલો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ સમારોહ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર સેવાના ૨૫ વર્ષ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૧૮ પ્રકારની ઉપયોગી વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ : જગદીશ વિશ્વકર્માએ કૃષ્ણનગર જૈન ઉપાશ્રય ખાતે જૈન આચાર્યોના આશીર્વાદ લીધા

તળાજા (ભાવનગર): ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધો માટે ઉપયોગી નિઃશુલ્ક સાધન સહાય વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારના વડીલોને લાકડી, ટોયલેટ સીટ, વ્હીલચેર, કમરનો બેલ્ટ અને ગળાનો બેલ્ટ સહિત કુલ ૧૮ પ્રકારની સાધન સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષે ભાવનગરના કૃષ્ણનગર જૈન ઉપાશ્રય ખાતે પહોંચી પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

આ પ્રસંગે યોજાયેલી સભાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ખૂબ જ વિશિષ્ટ છે કારણ કે તે સાચા અર્થમાં વડીલોની સેવા કરીને તેમના આશીર્વાદ મેળવવાનો અવસર છે. જે રીતે માતા-પિતા બાળકને નાનપણમાં આંગળી પકડીને ચાલતા શીખવે છે, તે જ રીતે સમયના બદલાતા ચક્રમાં વૃદ્ધાવસ્થામાં સંતાનોએ પણ વડીલો માટે લાકડીનો સહારો બની તેમની આંખ, કાન અને નાક સમાન સેવા કરવી જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવિરતપણે સેવા અને સમર્પણના ભાવ સાથે વડીલો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સહિત દેશના ૧૪૦ કરોડ નાગરિકોની ચિંતા કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના ૨૫ વર્ષની જાહેરસેવાની અવિરત યાત્રામાં રાષ્ટ્રસેવાને જ તેમણે જીવનનું ધ્યેય બનાવ્યું છે. પોતાના જન્મદિવસ કે માતૃશ્રીના અવસાન જેવા પ્રસંગોમાં પણ સમય બગાડ્યા વિના તેઓ સતત દેશસેવામાં જ કાર્યરત રહ્યા છે અને એક પણ દિવસની રજા લીધા વિના કાર્ય કર્યું છે. તેમણે ક્યારેય પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી નથી, પરંતુ સરહદ પર જઈને સેનાના જવાનો સાથે દીપોત્સવ ઉજવી રાષ્ટ્રસેવાને સર્વોપરી ગણી છે.

પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના સંકલ્પ અનુસાર વડીલો અને દિવ્યાંગો સામાન્ય નાગરિકોની જેમ સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે તમામ જરૂરી સગવડો ઉપલબ્ધ કરાવાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૧૪ જેટલા કેમ્પ યોજીને જિલ્લામાં ૧૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના સાધનો નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. દેશમાં ગુણવત્તાસભર શાળાઓનું નિર્માણ, 'નળ સે જળ' યોજના દ્વારા ઘરે-ઘરે પાણી અને કોરોના કાળમાં વિનામૂલ્યે રસીકરણ જેવા કાર્યો આ સરકારની જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી સમયે જ નહીં, પરંતુ સતત પ્રજાની વચ્ચે રહીને જનસેવાના કાર્યોમાં જોડાયેલો રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન'માં પણ પક્ષના કાર્યકરો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ લધવા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, સેવા સંકલ્પ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા સહિત આગેવાનો, અગ્રણીઓ, સંબંધિત અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:26 PM IST)