<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ : જિલ્લા અને છ તાલુકા કોર્ટોમાં કુલ 9,700 કેસો રજૂ કરવામાં આવ્યા

19 સરકારી-અર્ધસરકારી સંસ્થાઓ, બેંકો અને ખાનગી ફાઈનાન્સ કંપનીઓ જોડાઈ, સમાધાન દ્વારા ઝડપી ન્યાય આપવાનો મુખ્ય ઉદ્દેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : જામનગર જિલ્લામાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં કુલ 9,700 જેટલા કેસો રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કોર્ટની સાથે સાથે જિલ્લાના છ તાલુકા કોર્ટોમાં પણ એકસાથે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

આ લોક અદાલતમાં 19 જેટલી સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લઈ રહી છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો, પીજીવીસીએલ, વીમા કંપનીઓ તેમજ ખાનગી ફાઈનાન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ લોક અદાલતમાં ઉપસ્થિત રહીને પડતર કેસોના સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા છે.

 

લોક અદાલતનો મુખ્ય હેતુ સમાધાનના માધ્યમથી લાંબા સમયથી પડતર રહેલા કેસોનો ઝડપી અને સરળ નિકાલ કરવાનો છે. જેથી પક્ષકારોને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ન્યાય મળી શકે. આ માટે જિલ્લા કોર્ટ તેમજ તમામ તાલુકા કોર્ટોમાં વિશેષ બેચની રચના કરીને સુનાવણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

કોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર લોક અદાલતમાં રજૂ થયેલા કેસોમાં વીમા, બેંક, વીજળી બિલ, ટ્રાફિક ચલણ, બેંક લોન તેમજ અન્ય દીવાની અને ફોજદારી સમાધાનપાત્ર કેસોનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં પક્ષકારો પણ લોક અદાલતમાં હાજર રહ્યા હતા અને સમાધાન દ્વારા કેસોનો નિકાલ લાવવા માટે રસ દાખવ્યો હતો.

(1:04 PM IST)