News of Friday, 13th November 2026
નવનીત બાલધિયાના પિક્ચરનો ધ એન્ડ કરવો છે: બગદાણાને કોરી ખાવામાં કોઈ કમી છોડી નથી :દેગવડા ગામના ઉમેશસિંહ ગોહિલના ગંભીર આક્ષેપ
ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા પર રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો:વીડિયો સામે આવ્યા બાદ બગદાણા વિવાદમાં રાજકીય અને સામાજિક ચર્ચાએ નવો વેગ પકડ્યો

ભાવનગરના બગદાણા વિવાદમાં ફરી એકવાર નવનીત બાલધિયા ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા નવનીત બાલધિયા સામે દેગવડા ગામના ઉમેશસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા છે. ઉમેશસિંહ ગોહિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ નવનીત બાલધિયાની કામગીરી અને તેમના નિવેદનો સામે સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ બગદાણા વિવાદમાં રાજકીય અને સામાજિક ચર્ચાએ નવો વેગ પકડ્યો છે.
વાયરલ વીડિયોમાં ઉમેશસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે નવનીત બાલધિયાએ બગદાણાને કોરી ખાવામાં કોઈ કમી છોડી નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોતે જ ભ્રષ્ટાચાર આચરીને હવે બીજા લોકો પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા પર રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમના મતે, બગદાણાના મુદ્દાને લઈને રાજકીય લાભ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે નવનીત બાલધિયાની ભૂમિકા સામે સવાલો ઉઠાવીને તેમના નિવેદનોને રાજકીય ગણાવ્યાં છે.વાયરલ વીડિયોમાં ઉમેશસિંહે નવનીત બાલધિયા ગેરકાયદે ધંધા કરતા હોવાનો પણ ગંભીર દાવો કર્યો છે.
ઉમેશસિંહ ગોહિલે વાયરલ વીડિયોમાં આક્રમક શબ્દોમાં પોતાની વાત રજૂ કરી છે. તેમણે શબ્દોમાં કહ્યું કે, 'નવનીત બાલધિયાના પિક્ચરનો ધ એન્ડ કરવો છે.' તેમના આ નિવેદનથી બગદાણા વિવાદમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયાને પગલે બગદાણા વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. હવે નવનીત બાલધિયા આ ગંભીર આક્ષેપોનો શું જવાબ આપે છે તેના પર સૌની નજર રહેશે
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
