<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

લાઠી શહેરમાં નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી : ૧૬૦ વર્ષીય પરંપરાગત મહાકાળી નાટક મંડળથી લઈને વિવિધ ગરબીઓની મુલાકાતે અગ્રણીઓ અને નાગરિકોમાં છવાયો અનેરો ઉત્સાહ

જાણીતા હીરા ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ શંકર, વલ્લભભાઈ રિબડીયા ‘શાયર’, પ્રવિણભાઈ વાવડીયા અને મહાનુભાવોએ નવમા નોરતે લાઠીની ઐતિહાસિક ગરબીઓ અને અંબાજી મંદિરના દર્શન કરી આરતીનો લીધો લ્હાવો

લાઠી : લાઠી શહેરની લોકસાહિત્યની ધરોહર પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવ સમાન વિવિધ ગરબી મહોત્સવોની નવમા નોરતે અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક મુલાકાત લેવામાં આવી હતી. જાણીતા હીરા ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ શંકર, લોકસાહિત્યકાર વલ્લભભાઈ રિબડીયા ‘શાયર’, પ્રવિણભાઈ વાવડીયા, રમેશભાઈ શંકર, અલ.બી. ભાઈ ધોળીયા અને મહેશભાઈ માલવીયા સહિતના મહાનુભાવોએ લાઠીમાં પરંપરાગત નવરાત્રી મહોત્સવનો ઉત્સાહભેર આનંદ માણ્યો હતો.

આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાની શરૂઆત શંકર પરિવારના ઈષ્ટદેવી અંબાજી માતાજીના મંદિરે દર્શન અને આરતીથી થઈ હતી. જ્યાં લાઠીના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર વલ્લભભાઈ શાયરના ઓજસ્વી અવાજમાં પ્રાચીન ગરબો સાંભળવાનો વિશેષ લ્હાવો મળ્યો હતો. ત્યારબાદ દુખભંજન મહાદેવ મંદિરની ગરબી ખાતે નાની દીકરીઓને જોગમાયાના વેશમાં પ્રાચીન ગરબા રમતી જોઈ સૌ કોઈ અભિભૂત થયા હતા.
ત્યારબાદ લાઠી પોલીસ લાઈન ખાતે પહોંચી મહાનુભાવોએ પોલીસ પરિવારો દ્વારા વર્ષોથી યોજાતી ગરબીમાં આરતી ઉતારી હતી. જ્યાં આજુબાજુના વિસ્તારના લોકોએ સહપરિવાર ઉપસ્થિત રહી માતાજીની ભક્તિ કરી હતી. પ્રવાસીઓએ લાઠીની જૂની પરંપરાગત દરબારી ચોકની નવદૂર્ગા નવરાત્રી મંડળ આયોજિત ગરબી તેમજ ખોખા ડાંગરના ચોરાની ગરબીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, શ્રી ખોડિયાર ગરબી મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય સૈન્યના શૌર્યને દર્શાવતી સુંદર દેશભક્તિની થીમ પર આધારિત પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેને નિહાળી સૌએ ગર્વ અનુભવ્યો હતો.

૧૬૦ વર્ષીય ઐતિહાસિક મહાકાળી નાટક મંડળના નાટકોનું આકર્ષણ:
લાઠીની સૌથી જૂની અને ગૌરવશાળી પરંપરા સમાન ૧૬૦ વર્ષમાં પ્રવેશેલી મહાકાળી નવરાત્રિ નાટક મંડળની મુલાકાત આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહી હતી. અહીં ત્રીજી અને ચોથી પેઢીના યુવા કલાકારો દ્વારા ઐતિહાસિક પાત્રોને જીવંત કરતા સુંદર નાટકો ભજવવામાં આવે છે. મહાનુભાવોએ સાવરકુંડલાના યોગી પુરુષ જોગીદાસ ખુમાણના જીવન પર આધારિત નાટક નિહાળ્યું હતું. આ નાટક મંડળ દ્વારા જીવદયાના ઉત્તમ વિચારો સાથે પંખીઓના ચણ માટે ફંડ જમા કરવાની સેવાકીય પ્રવૃત્તિ પણ સુચારુ રૂપે ચલાવવામાં આવે છે.

વતન પ્રત્યેની ભાવના અને પ્રોત્સાહન:
લાઠીના લબ્ધપ્રતિષ્ઠિત હીરા ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ શંકર પોતાના વ્યસ્ત સમયમાંથી વિશેષ સમય ફાળવીને વર્ષોથી લાઠીની સામાજિક સંસ્થાઓ અને પરંપરાગત ગરબી મંડળોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહે છે. તેઓ દરેક ગરબી મંડળમાં જઈને સૌનો ઉત્સાહ વધારે છે અને તેમના આર્થિક અનુદાનથી કળા તથા સંસ્કૃતિને બળ મળે છે. આ પ્રસંગે રાજેશ પટેલ દ્વારા વતનનું ઋણ ચૂકવવાની આ અનન્ય સેવાઓ અને આધ્યાત્મિક ધર્મયાત્રાઓ બદલ ઘનશ્યામભાઈ શંકર તથા તમામ શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (આલેખન - રાજેશ પટેલ : અહેવાલ - મુકેશ પંડિત)

(10:48 PM IST)