<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ઘુટું ગામે પિતા-પુત્રની વાતમાં પાડોશીઓ કૂદી પડ્યા: યુવાન પર પાઈપ અને ધોકાથી હુમલો.

ઈજાગ્રસ્ત યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના ઘુટું ગામે પિતા પોતાના પુત્રને કામ બાબતે ઠપકો આપતા હોય તે દરમિયાન પાડોશમાં રહેતા બે શખ્સોએ ‘અમને ગાળો કેમ આપો છો?’ તેમ કહી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઘુટું ગામના આંબેડકરનગરમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા (ઉ.વ. ૩૪) પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે તેમના પિતા તેમને કામ બાબતે ઠપકો આપતા હતા. આ સમયે પાડોશમાં રહેતા સચીન દિનેશભાઈ બારોટ અને કિશન કમલેશભાઈ બારોટ ત્યાં આવી ચડ્યા હતા અને પિતા-પુત્રની વાતમાં દખલગીરી કરી ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા આરોપી સચીન બારોટે લાકડાના ધોકા વડે મુકેશભાઈને ખભા અને કાનના ભાગે મુંઢ માર માર્યો હતો, જ્યારે કિશન બારોટે લોખંડના પાઈપ વડે માથામાં ફટકો મારતા મુકેશભાઈને હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:53 AM IST)