<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ખંભાળીયામાં ભત્રીજાએ ૮ લાખની ચોરી કરી

બંધ રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્‍કરઃ આભૂષણો, રોકડની મકાન માલિક સુરત ગયા બાદ ચોરીનો આપ્‍યો અંજામ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા.૧૨: નજીકના શક્‍તિનગર વિસ્‍તારમાં આવેલા પાંચ વાડી ખાતે રહેતા અને સુરતના પૂર્ણા ગામ ખાતે પ્રણામ એપાર્ટમેન્‍ટમાં ફ્‌લેટ ધરાવતા તથા કડિયા કામ કરતા સતવારા ગોવિંદભાઈ વાલજીભાઈ નકુમ (ઉ.વ. ૩૬) ના બે પુત્રો સુરત શહેર ખાતે અભ્‍યાસ કરે છે. સંયુક્‍ત કુટુંબમાં રહેતા ગોવિંદભાઈ નકુમ ગત તા. ૪ ઓક્‍ટોબરના રોજ તેમના માતા સાથે સુરત જવા નીકળ્‍યા હતા.

આ પછી તેઓ ગઈકાલે શનિવારે સાંજના સમયે પરત આવીને જોતા મકાનમાં ચોરી થયાનું ખુલવા પામ્‍યું હતું. કોઇ શખ્‍સે રસોડાની બંને બારીઓ તોડી, રૂમના દરવાજા પાસેનો આગળિયો કાપી અને રૂમમાં -વેશ કર્યો હતો. અહીં રહેલા કબાટને વેરવિખેર કરી, તેમાં રાખવામાં આવેલા રૂ. ૧,૪૦,૦૦૦ રોકડા તેમજ રૂ. અઢી લાખની કિંમતનો આશરે અઢી તોલા સોનાનો એક ચેન, રૂ. એક લાખની કિંમતની એક તોલા સોનાના ચૂડલાની એક જોડી, રૂ. ૫૦,૦૦૦ ની કિંમતની અડધા તોલા સોનાની બુટીની એક જોડી, રૂ. ૫૦,૦૦૦ ની કિંમતની સોનાની એક જોડી બુટ્ટી ઉપરાંત સોનાના નાના બે નંગ પેન્‍ડલ, સોનાની વીંટી, સોનાના દાણા, બે જોડી ચાંદીના સદરા, ચાંદીનું મંગલસૂત્ર, ૧૨ નંગ ચાંદીની લકી, ચાંદીની ૮ નંગ ચેન, ચાંદીના કંદોરા, ચાંદીના છમછમીયા, ચાંદીની માછલી, ચાંદીની પુરુષોની વીંટી, ચાંદીની બંગડી, ચાંદીની કડલી, ચાંદીની લેડીઝ વીંટી, કાનમાં પહેરવાની ચાંદીની કડલી, વિગેરે ૧૯ પ્રકારનો મુદ્દામાલ ચોરી થયા હોવાનું જાહેર થયું છે.

આમ, બંધ રહેલા રહેણાંક મકાનમાંથી કુલ રૂપિયા ૭,૬૯,૫૦૦ નો મુદ્દામાલ ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્‍યો છે. આ ચોરી પ્રકરણ સંદર્ભે આરોપી તરીકે આ જ વિસ્‍તારમાં રહેતા ફરિયાદીના ભત્રીજા ઋત્‍વિક નીતિનભાઈ નકુમ (ઉ.વ. ૨૫) નું નામ જાહેર થયું છે.

આ બનાવ બનતા અહીંના એ.એસ.પી. પ્રખર કુમાર તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાની આશંકા સહિતની દિશાઓમાં તપાસ આરંભી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ પછી પોલીસ દ્વારા આરોપી શખ્‍સની અટકાયત કરી લેવામાં આવી હતી. ચોરીના આ બનાવે શક્‍તિનગર વિસ્‍તારમાં ભારે ચર્ચા જગાવી છે.(૨

(11:07 AM IST)