તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છને હવાઈ કનેક્ટિવિટીની નવી ભેટ: ભુજ-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ શરૂ
સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો માન્યો આભાર; વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને મળશે વેગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : કચ્છના નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરીની સુવિધામાં વધુ એક મહત્ત્વપૂર્ણ ઉમેરો થયો છે. ભુજથી દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની ૧૬૪ મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી ફ્લાઇટ સેવા શરૂ થતાં કચ્છવાસીઓને દેશની રાજધાની સુધી આવવા-જવા માટે બીજી ફ્લાઇટનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ નવી હવાઈ સેવાને આવકારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.
નવી સમયસૂચિ અનુસાર, ભુજથી દિલ્હી જતી ફ્લાઇટ સવારે ૮:૧૫ કલાકે ઉપડીને સવારે ૯:૪૫ કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી ભુજ આવતી ફ્લાઇટ સવારે ૫:૫૦ કલાકે ઉપડીને સવારે ૭:૩૫ કલાકે ભુજ પહોંચશે. અત્યાર સુધી ભુજથી દિલ્હી માટે સાંજના સમયે ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ હતી. હવે નવી સવારની ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરોને પોતાની અનુકૂળતા મુજબ મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ ઉદ્યોગ, વેપાર, પ્રવાસન અને રોજગાર ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. આવા સંજોગોમાં દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સુગમ હવાઈ જોડાણ કચ્છના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. નવી ફ્લાઇટથી વેપારીઓ, ઉદ્યોગકારો, સરકારી કામકાજ માટે દિલ્હી જતા નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોને લાભ મળશે અને સમયની બચત સાથે મુસાફરી વધુ અનુકૂળ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ માટે પણ સવારે અને બપોરે ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ હોવાથી ભુજથી દિલ્હી અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરીના વિકલ્પો વધ્યા છે. આ સુવિધાઓથી કચ્છનું દેશનાં મહત્ત્વનાં શહેરો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે અને વેપાર-વાણિજ્ય, પ્રવાસન તથા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
સરહદી કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરિવહન અને હવાઈ કનેક્ટિવિટીનું વિસ્તરણ મહત્ત્વપૂર્ણ છે. ભુજ-દિલ્હી વચ્ચે નવી ફ્લાઇટ સેવા શરૂ થવી એ કચ્છવાસીઓ માટે આવકારદાયક પગલું છે. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લોકોને નવી હવાઈ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
