News of Monday, 13th July 2026
નવી ઉદ્યોગનિતીથી જસદણના વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને ફાયદોઃ કુંવરજીભાઇ બાવળીયા
જસદણમાં રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવા બનેલા બે બ્રિજનું કેબિનેટ મંત્રીએ લોકાર્પણ કર્યુઃ આગામી વર્ષે ટાઉનહોલ બનાવવાની જાહેરાત

(ધર્મેશ કલ્યાણી - હુસામુદીન કપાસ-હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ, તા.૧૩: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નિર્મિત બે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જસદણમાં જુના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારને જોડતા બ્રિજ ખુલ્લા મુકાતા નાગરિકો માટે પરિવહન સરળ બન્યું છે.
આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે સભા યોજાઈ હતી. જેમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, જસદણ નગરના લોકોને સુવિધા મળી રહે તે માટે વિવિધ વિકાસકાર્યો કરવાની ખાતરી આપી હતી, તેમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે જ્યારે બાકીના ૧૦ ટકા કાર્યો મંજૂરીના તબક્કે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, લોકોની સુવિધા માટે જુના બસ સ્ટેન્ડ પાસે ભાદર નદી પર રૂ. ૩. ૬૧ કરોડના ખર્ચે ૬૦ મીટર લંબાઈ અને ૧૦.૫ મીટર પહોળાઈના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડતા ભાદર નદી પરના બ્રિજનું રૂ. ૩.૧૭ કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાદર નદીમાં ચોમાસામાં પૂર આવે તો પણ લોકોને તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજ બનાવવામાં આવ્યા છે.
જસદણ નગર તેમજ તાલુકામાં થઈ રહેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જસદણ નગરના છેવાડાના વિસ્તારના લોકોની સુવિધા માટે વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. નગરના છેવાડાના વિસ્તારને પણ ભૂગર્ભ ગટર યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે. જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકારમાંથી જગ્યા મંજૂર કરાવી લેવામાં આવી છે. આગામી વર્ષે ટાઉન હોલ બનાવવાની કામગીરી પણ આગળ વધશે. જસદણ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો પર આગામી સમયમાં સીસીટીવી મૂકવાનું પણ આયોજન છે. જસદણની લાઇબ્રેરી માટે રૂપિયા એક લાખના પુસ્તકો સરકારમાંથી આવી ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જસદણના વેપારીઓ તથા તાલુકાના નાના ઉદ્યમીઓ અને ઉદ્યોગકારો માટે નવી ઉદ્યોગનીતિ ખૂબ ફાયદાકારક બની રહેશે અને તેઓ પોતાના વ્યવસાયને ગતિ આપી શકશે. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ પી. છાયાણી, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ બી. થડેશ્વર, કારોબારી ચેરમેન કાજલબેન પી. ઘોડકીયા, બાંધકામ સમિતિ ચેરમેન સોનલબેન વસાણી, જસદણ મામલતદાર શ્રી એમ. કે. બલિયા, ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ અશોકભાઈ ધાધલ, અગ્રણી ગટુભાઈ ગીડા, ગભરૂભાઇ ધાધલ, નિમેશભાઈ શુકલ, દુર્ગેશભાઈ કુબાવત સહિતના મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
