<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘમાં નવી નેતૃત્‍વ ટીમ

ચેરમેન તરીકે જેન્‍તીભાઈ મંઢ (આહિર) અને વાઈસ ચેરમેન તરીકે જશુબેન ચીરોડીયા બિનહરીફ ચૂંટાયા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૩ : જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્‍સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં સંઘના નવા સુકાની તરીકે સહકારી ક્ષેત્રના અગ્રણી જેન્‍તીભાઈ મંઢ (આહિર)ની ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે વાઈસ ચેરમેન પદે જશુબેન લાખાભાઈ ચીરોડીયા પણ બિનહરીફ ચૂંટાઈ આવ્‍યા છે. ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ યોજાયેલી નિયામક મંડળની બેઠકમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બંને હોદ્દાઓ માટે સર્વસંમતિ સધાતાં ચૂંટણી વિના જ બંને પદાધિકારીઓની વરણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

બિનહરીફ વરણી બાદ નવનિયુક્‍ત ચેરમેન જેન્‍તીભાઈ મંઢે જણાવ્‍યું હતું કે, જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્‍પાદકોના હિતનું રક્ષણ કરવું તથા દૂધ સંઘની કામગીરીને વધુ સુદ્રઢ બનાવી પશુપાલકોને તેમના દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં પ્રાથમિકતાથી કાર્ય કરવામાં આવશે. વાઈસ ચેરમેન જશુબેન ચીરોડીયાએ પણ મહિલા પશુપાલકોના ઉત્‍થાન અને સંઘના વિકાસમાં સક્રિય સહયોગની ખાતરી આપી હતી. આ વરણી થતાં જ જિલ્લાના સહકારી આગેવાનો, દૂધ ઉત્‍પાદકો તથા ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો અને ઉપસ્‍થિત સૌ કોઈએ નવનિયુક્‍ત ચેરમેન અને વાઈસ ચેરમેનને પુષ્‍પગુચ્‍છ તથા હાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી. (૯.ર૩)

(12:18 PM IST)