તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ધ્રોલમાં નવા પી.આઈ પી.એન. ખાચરનો સપાટોઃ ચાર્જ સંભાળતા જ થોડા દિવસોમાં ચોરીના બે મોટા વણશોધાયેલા ગુના ઉકેલ્યા
ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાંથી જનરેટર અને ખારવા-જાયવા રોડ પરથી વાયર ચોરી કરનાર શખ્સો ઝડપાયા લાખોનો રુપિયાનો મુદ્દામાલ જપ્ત

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર, તા.૧૬: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પી.આઈ. પી.એન. ખાચર મુકાયા બાદ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ પી.આઈ. ખાચરે પોતાની બાહોશ કાર્યપદ્ધતિ અને સચોટ માર્ગદર્શન થકી વણશોધાયેલા ગુનાઓ ઉકેલવાનો સપાટો બોલાવ્યો છે. ટૂંકા ગાળામાં ચોરીના બે મહત્વના ભેદ ઉકેલી નાખીને પી.આઈ. ખાચરની ટીમે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે.
થોડાક દિવસો પહેલા ધ્રોલ-જોડીયા રોડ પર નિર્માણધીન ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ પર આરસીસી રોડ બનાવવાના મશીનમાંથી કિંમતી જનરેટરની ચોરી થઈ હોવાનો વણશોધાયેલ ગુનો નોંધાયો હતો. પી.આઈ. શ્રી પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ ટીમે સઘન તપાસ હાથ ધરી આ ચોરીમાં સંડોવાયેલા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહિત કુલ રૂ.૭,૪૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિજો બનાવ પાંચ મહિના પહેલાં ધ્રોલના ખારવા ગામથી જાયવા ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલા ઇલેક્ટ્રિક પોલમાંથી અંદાજે ૧૨૦૦ મીટર લાંબો એલ્યુમિનિયમ વાયર (કિંમત રૂ. ૫૪,૩૭૫/-) ચોરાઈ જવાનો ગુનો નોંધાયો હતો. પી.આઈ. શ્રી પી.એન. ખાચરના સચોટ નેતળત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કામરીયા, રાજેશભાઈ મકવાણા, હરદેવસિંહ જાડેજા, સંજયભાઈ સોલંકી તથા કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરી કરનાર સિલ્વર કલરની મારુતિ સુઝુકી સુપર કેરી ગાડીમાં જામનગરથી ધ્રોલ તરફ આવી રહી છે. પોલીસે વાંકિયા ગામ પાસે જલારામ બાપાની જગ્યા સામે હાઇવે પર વોચ ગોઠવી ગાડીને આંતરી લીધી હતી. ગાડીમાંથી કરણ મનોજભાઈ મકવાણા, અશ્વિન ઉર્ફે સુકલિયો વિજયભાઈ રાઠોડ (બંને રહે. જામનગર) તેમજ અરવિંદ કિશોરભાઈ સોલંકી, કમલેશ ઉર્ફે રામ મગનભાઈ રાઠોડ અને વિશાલ ઉર્ફે બાડીયો કેશુભાઈ રાઠોડ (ત્રણેય રહે. ધ્રોલ) ને દબોચી લીધા હતા.
આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મારુતિ સુઝુકી સુપર કેરી ગાડી (GJ-10-TY-0186, કિં.રૂ.૨,૨૫,૦૦૦/-) અને લોખંડનું કટર (કિં.રૂ.૧૦૦/-) મળી કુલ રૂ.૨,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પકડાયેલા આરોપીઓ પૈકી કમલેશ અને વિશાલ સામે અગાઉ પણ ધ્રોલમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સાથે સંકળાયેલા અન્ય એક આરોપી ઘનશ્યામભાઈ રમણીકભાઈ મકવાણા અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રમેશભાઈ સવજીભાઈ ભદ્રા (બંને રહે.જામનગર) ને ઝડપી પાડવા પી.આઈ. પી.એન. ખાચરે વધુ તપાસ તેજ બનાવી છે
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
