News of Sunday, 2nd August 2026
ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા પાણીની આવક : સમગ્ર કચ્છ પંથકમાં ઉત્સાહ અને આનંદનો માહોલ
વરસાદી અને આહલાદક વાતાવરણ વચ્ચે લોકોએ હરખભેર નવા નીરના વધામણાં

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજની ઓળખ અને શહેરની ગરિમા સમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા પાણીની આવક થતાં જ સમગ્ર કચ્છ પંથકમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં મેઘરાજાની મહેરબાગ બાદ ભૂજની જીવાદોરી ગણાતા આ તળાવમાં નવા નીર આવતાની સાથે જ નજારો જ કંઈક અલગ જ ખીલી ઉઠ્યો છે.
જ્યારે પણ હમીરસર તળાવ છલકાય કે તેમાં નવા પાણીની આવક થાય, ત્યારે ભુજવાસીઓ માટે તે એક તહેવાર સમાન બની જાય છે. આ જ પરંપરા મુજબ, હમીરસર તળાવમાં નવા પાણીના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ભૂજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં તળાવના કિનારે એકઠા થઈ ગયા હતા. વરસાદી અને આહલાદક વાતાવરણ વચ્ચે લોકોએ હરખભેર નવા નીરના વધામણાં કર્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ આ સુંદર વરસાદી માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી ફૂવારો અને સુખદ વાતાવરણમાં લોકોએ તળાવ કિનારે વેચાતી ગરમાગરમ મકાઈ (ભૂટ્ટા) અને અન્ય સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓની જયાફત માણી હતી. કુદરતી સૌંદર્ય અને ઉત્સાહના આ માહોલે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
લોકોની ભારે ભીડ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. તળાવના માર્ગો પર અને આસપાસના વિસ્તારોમાં કોઈપણ અપ્રિય કે અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ જવાનો સતત ખડેપેલે રહીને ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. હમીરસર તળાવમાં નવા પાણી આવવાથી આગામી દિવસોમાં ભૂજવાસીઓ માટે પાણીની સમસ્યા હળવી થવાની સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ એક નવું આકર્ષણ ઊભું થયું છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
