<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

કોઈ પણ સરકાર આવે, દારૂ ક્યારેય બંધ ન થાય, માત્ર કંટ્રોલ કરી શકાય' તેવું નિવેદન ભારે પડ્યું : ઢસા PSI જી.ડી. આહીરને લીવ રિઝર્વમાં મુકાયા

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો: PSI જી.ડી. આહીરને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લીવ રિઝર્વમાં મુકાયા :બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સમગ્ર મામલાની તપાસ DySP મહર્ષિ રાવલને સોંપી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં દારૂના દૂષણ અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 'કોઈ પણ સરકાર આવે, દારૂ ક્યારેય બંધ ન થાય, માત્ર કંટ્રોલ કરી શકાય' તેવા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. જે બાદ  PSI જી.ડી. આહીરને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સમગ્ર મામલાની તપાસ DySP મહર્ષિ રાવલને સોંપી છે.

ગઢડાના જલાલપુર ગામમાં યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં ગ્રામજનોએ દારૂના ગેરકાયદે વેચાણ અંગે રજૂઆત કરી હતી. આ દરમિયાન ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીરે જણાવ્યું હતું કે, 'દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ કરી શકાય.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'કોઈ પણ સરકાર આવે પણ દારૂ ક્યારેય બંધ ન થાય.' આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

 

PSI ના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ બોટાદ SP ધર્મેન્દ્ર શર્માએ મામલાની ગંભીર નોંધ લીધી હતી. તેમણે તપાસના આદેશ આપીને DySP મહર્ષિ રાવલને સમગ્ર પ્રકરણની તપાસ સોંપી હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી PSI જી.ડી. આહીરને ઢસા પોલીસ સ્ટેશનમાંથી હટાવી લીવ રિઝર્વમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ કાર્યવાહી તપાસ દરમિયાન લેવામાં આવેલું વહીવટી પગલું છે.

 

 

પોલીસની કામગીરી અંગે આપવામાં આવેલી માહિતી મુજબ પ્રોહિબિશન હેઠળ લિસ્ટેડ બુટલેગરો સામે 76 થી વધુ રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત બુટલેગરો સામે 27થી  વધુ ગુનાઓ નોંધવામાં આ છે. ભૂતકાળમાં ત્રણ શખ્સોને તડીપાર પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં જલાલપુર ગામમાં દારૂના દૂષણ અંગે ગ્રામજનોની રજૂઆત બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

જલાલપુર ગામમાં દારૂના ગેરકાયદે વેચાણ અંગે ગ્રામજનોની રજૂઆત અને PSI ના વાયરલ વીડિયોને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. DySP મહર્ષિ રાવલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન નિવેદનના સંજોગો અને સંબંધિત વિગતોની ચકાસણી કરવામાં આવશે. તપાસમાં કોઈ અધિકારીની બેદરકારી કે ગેરવર્તન સામે આવશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે 

(7:15 PM IST)