<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ખાખી કે સિંઘમ નહીં, આ છે ગુજરાતના રિયલ સુપરહીરો! કેડસમા પાણીમાં જીવનું જોખમ ખેડી લીંબડીના બે શિક્ષકોએ સ્કૂલના મહત્વના ચોપડા ઉગારી લીધા

ભારે વરસાદ અને અંધારા વચ્ચે પોતાની પરવા કર્યા વિના શાળાના મહત્વના સરકારી રેકોર્ડ અને સર્વિસ બુક સુરક્ષિત સ્થળે ખસેડી શિક્ષકધર્મનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું

સુરેન્દ્રનગર : કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે માણસ ઘરની બહાર નીકળતા પણ ડરે છે, પણ જો મનમાં કર્તવ્યનિષ્ઠા હોય તો ગમે તેવું સંકટ પણ નાનું પડે છે. આવી જ એક દિલધડક અને પ્રેરણાદાયી ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સામે આવી છે, જ્યાં શાળાના ચોપડા અને સરકારી દસ્તાવેજો બચાવવા માટે બે શિક્ષકો રિયલ લાઈફ હિરો બનીને સામે આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે અને તંત્ર પણ રાહત કામગીરીમાં રાત-દિવસ એક કરી રહ્યું છે. આ દરમિયાન લીંબડી તાલુકાની નાની કઠેચી પી.એસ. સેન્ટર શાળા ખાતે પાણી ભરાઈ જતાં એક મોટો ખતરો ઉભો થયો હતો. શાળાના પરિસરમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા અને ચારેય બાજુ ઘોર અંધારું છવાયેલું હતું. જો સમયસર પહોંચવામાં ન આવે તો શાળાના તમામ મહત્વપૂર્ણ વહીવટી કાગળો, શિક્ષકોની સર્વિસ બુક અને અન્ય સરકારી રેકોર્ડ પલળીને કાગળનો લુગદો બની જાય તેમ હતા.
આ પરિસ્થિતિની જાણ થતાં જ શાળાના આચાર્ય શૈલેષ સોલંકી અને શિક્ષક ચિરાગ પટેલ જરાય અચકાયા વગર વહારે આવ્યા હતા. તેમણે પોતાના જીવની કે પાણીના વહેણની સહેજ પણ પરવા કર્યા વિના કેડસમા પાણીમાં ઉતરીને શાળામાં પ્રવેશ કર્યો હતો. ભારે સમયસૂચકતા અને હોંશિયારી દાખવીને બંને શિક્ષકોએ સ્કૂલના તમામ મહત્વના સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ્સને ઊંચા તથા સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા.
આ અસાધારણ સમર્પણ અને ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠા જોઈને સમગ્ર શિક્ષક આલમ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકો આ બંને શિક્ષકો પર ફીદા થઈ ગયા છે. વિપરીત સંજોગોમાં પણ 'શિક્ષકધર્મ' સૌથી ઉપર રાખીને દાખવેલી આ સમયસૂચકતાની આજે આખા ગુજરાતમાં હૃદયપૂર્વક પ્રશંસા થઈ રહી છે.

(6:37 PM IST)