<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 3 દિવસ મોડું આજે 4 જૂન 2026ના રોજ કેરળમાં પહોંચ્યું, ખેડૂતોમાં આનંદની લહેર

IMDના તમામ માપદંડ પૂર્ણ થયા બાદ ચોમાસાની એન્ટ્રી, આગામી 2-3 દિવસમાં ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને ઉત્તર-પૂર્વ ભારત તરફ આગળ વધવાની શક્યતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૪ : ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા આજે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના કેરળમાં સત્તાવાર આગમનની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચતું ચોમાસું આ વર્ષે 3 દિવસ મોડું એટલે કે 4 જૂને રાજ્યમાં પ્રવેશ્યું છે.  

છેલ્લા બે દિવસથી કેરળ અને આસપાસના અરબી સમુદ્ર વિસ્તારમાં વાદળોની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સાથે જ પશ્ચિમી પવનો પણ મજબૂત બન્યા હતા. રાજ્યના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.  

IMD દ્વારા ચોમાસાના આગમન માટે નક્કી કરાયેલા તમામ માપદંડ પૂર્ણ થતાં આજે ચોમાસાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કેરળના 14માંથી 10થી વધુ સ્ટેશન પર સતત 2 દિવસ 2.5 મિમીથી વધુ વરસાદ, પશ્ચિમી પવનની ગતિ અને ઉપગ્રહીય વાદળોની સ્થિતિ સહિતની શરતો સંતોષાઈ છે  

હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું ઝડપથી આગળ વધશે. ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ વિસ્તારો, આંધ્ર પ્રદેશ, તમિલનાડુના બાકીના વિસ્તારો અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં ચોમાસું પહોંચે તેવી પૂરી શક્યતા છે.  

ચોમાસાના આગમનથી કેરળ સહિત દેશભરના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવે સૌની નજર ચોમાસાની આગળની ગતિ અને ગુજરાત સહિતના રાજ્યોમાં તેના સમયસર પહોંચવા પર રહેશે.

(2:07 PM IST)