News of Sunday, 11th October 2026
ભાવનગરના રૂવાપરી રોડ પર જૂની અદાવતે લીધું ઉગ્ર સ્વરૂપ: દંપતી પર છરીથી હુમલો
હુમલાખોરોએ એક પછી એક છરીના ઘા ઝીંકીને દંપતીને લોહીલુહાણ કર્યું :ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને અમદાવાદ રીફર કરાઈ

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ભાવનગર શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ કાયદાને પડકાર ફેંકી રહ્યા છે. જૂની અદાવતની દાઝ રાખીને કેટલાક કુખ્યાત શખ્સોએ એક નિર્દોષ દંપતી પર તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા પતિ-પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૂળ માહિતી અનુસાર, ભાવનગરના રૂવાપરી રોડ પર બનેલી આ ઘટનામાં અસામાજિક તત્વોએ જૂની અદાવતનું મનદુઃખ રાખીને રમેશભાઈ જાદવ અને તેમના પત્ની સોનલબેન જાદવ પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ એક પછી એક છરીના ઘા ઝીંકીને દંપતીને લોહીલુહાણ કરી નાખ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ડર અને રોષનો માહોલ ફેલાઈ ગયો છે.
આ જીવલેણ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા દંપતીને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર દરમિયાન સોનલબેન જાદવના હાથની નસ ગંભીર રીતે કપાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. તેમની સ્થિતિ વધુ નાજુક જણાતા તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
