તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવાયો
રાષ્ટ્રીય સંત, પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતકના જન્મ દિવસે શ્રી હરિમંદિરમાં પૂ.ભાઈશ્રીૅદ્વારા વિધિવત્ વર્ધાપનપૂજન વિધિઃ શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેકઃ શ્રી સૌમ્ય ભૈરવજી મહારાજની ૧૧૦૦ બિલ્વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા : શ્રી હરિવનનું પૂ.ભાઈશ્રી, પોરબંદરના ધારાસભ્ય-વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કલેકટરશ્રી ધાનાણી, મેયર સાગરભાઈ મોદી, જીલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતનાની ઉપસ્થિતિમાં લોકાર્પણ સાંદીપનિ ગૌશાળામાં પૂ.ભાઈશ્રી દ્વારા ગૌપૂજનઃ ગૌમાતાને લાડુનો ભોગ અર્પણ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧: ગઈકાલે તા.૩૧મી ઓગષ્ટના પૂ.ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ પૂ.ભાઈશ્રીની પ્રેરણા અનુસાર પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે શ્રાવણમાસના સોમવારના પાવન દિવસે તરીકે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
શ્રી હરિ મંદિરમાં વર્ધાપનપૂજા એવં લઘુરુદ્રાભિષેક
પૂ.ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસના પાવન દિવસે પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રી હરિ મંદિરમાં પૂ.ભાઈશ્રી દ્વારા વિધિવત્ વર્ધાપનપૂજન વિધિ કરવામાં આવી હતી. આ પૂજાવિધિમાં સાંદીપનિ ઋષિકુળના અધ્યાપકો પણ જોડાયા હતા.
આ વર્ષે સેવાદિવસ શ્રાવણ માસના સોમવારે હોય પૂ. ભાઈશ્રી દ્વારા શ્રી હરિ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. શ્રી હરિમંદિરના સેવકો, અધ્યાપકો તથા ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને વિવિધ દિવ્ય ઉપચારોથી ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવની વિધિવત પૂજા સાથે લઘુરુદ્રાભિષેક સંપન્ન થયો. અભિષેકપૂજામાં ગૌતમભાઈ ઓઝા પણ જોડાયા હતા તો આ દિવ્ય ક્ષણોના અનેક ભાવિકો સાક્ષી પણ બન્યા હતા.આ સિવાય સાંદીપનિ પરિસરમાં આવેલા શ્રી સૌમ્ય ભૈરવજી મહારાજની પૂજ્ય ૧૧૦૦ બિલ્વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા કરવામાં આવી હતી.
સેવાકીય પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન કેમ્પ
પૂ.ભાઈશ્રીૅના પ્રાગટ્ય દિવસ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાંદીપનિના અધ્યાપક ગણ, ઋષિકુમારો દ્વારા તેમજ કર્મચારીઓ અને પોરબંદર શહેરના અન્ય લોકો દ્વારા સેવાભાવપૂર્વક રક્તદાન કર્યું હતુ. આ સંપૂર્ણ કેમ્પ દરમિયાન ૫૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતુ.
સ્વચ્છતા અભિયાન
સેવાદિવસના અવસરે પૂ.ભાઈશ્રીન પ્રેરણાથી પોરબંદર શહેરમાં આવેલ સુદામા મંદિર પરિસરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સુદામા મંદિર પરિસરમાં સફાઈ અભિયાન યોજીને એકઠા થયેલા કચરાનો નિકાલ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આંગણવાડીઓમાં રમકડા કિટ તથા કપડાનું વિતરણ
પૂ.ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસે સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા ધીરજભાઈ તથા તૃપ્તિબેન પંડિત દ્વારા સ્પ્રેડીંગ સ્માઈલના બેનર હેઠળ પોરબંદર શહેરમાં આવેલી આંગણવાડીઓમાં રૂબરૂ જઈને રમકડા કિટનું વિતરણ કર્યું હતું તેમજ ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે નાના-નાના બાળકોને કપડાનું વિતરણ કર્યું હતું. આ રમકડા કિટ તથા વષો આપતાની સાથે જ નાના-ભૂલકાઓના ચહેરા પર અનેરી અનોખી ખુશી છવાઈ હતી.
મિષ્ટાન્ન ભોજન સેવા
પૂ.ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસે પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે આવેલા અતિથીઓ અને દર્શનાર્થીઓ માટે સાંદીપનિમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે ભાવનગરમાં લીલા ગ્રુપ ઓફ કંપનીજ દ્વારા તેમજ ભાવનગર સદ્વિચાર સમિતિના માધ્યમથી દર્દીનારાયણ માટે ટીફીન દ્વારા ભોજનસેવા આપવામાં આવી હતી.
વૃક્ષારોપણ
પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના શુભ સંકલ્પથી પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસ સેવાદિવસના ઉપલક્ષ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રાંગણમાં સદ્ભાવના સેવા આશ્રમ અને સાંદીપનિ સંયુક્ત ઉપક્રમે શ્રી હરિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે ૅપૂ.ભાઈશ્રી, પોરબંદરના ધારાસભ્ય તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કલેકટરશ્રી ધાનાણી, મેયર સાગરભાઈ મોદી, જીલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી તથા સદ્ભાવના સેવા આશ્રમ તરફથી ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક રામજીભાઈ મોઢવાડિયા,પ્રવીણભાઈ ખોરવા ગ્રીન પોરબંદરના કોડીનેટર ધર્મેશભાઈ પરમાર, આનંદભાઈ દત્તા, નીરજભાઈ મોનાણી,દિલીપભાઈ પરમાર, નિલેશભાઈ ભૂતિયા, અશોકભાઈ ચૌહાણ, આનંદભાઈ નાઠાં, પિયુષભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને શ્રીહરિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીહરિ વનમાં આગામી દિવસોમાં સાંદીપનિ તેમજ સદભાવના સંસ્થા દ્વારા વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ જતન કરવામાં આવશે. આ સિવાય સેવાદિવસે સાંદીપનિ પરિસરમાં સાંદીપનિના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગૌ સેવા
સેવાદિવસના ઉપલક્ષ્યમાં સાંદીપનિ ગૌશાળામાં પૂ.ભાઈશ્રી દ્વારા ગૌપૂજન કરીને ગૌમાતાને લાડુનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે ગૌતમભાઈ ઓઝા તેમજ ભાવિકો પણ સાથે જોડાયા હતા.
ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા સોમનાથ દર્શન યાત્રા
પૂ.ભાઈશ્રીના પ્રાકટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર શહેરની ૫૧ જેટલી મહિલાઓને શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે નિઃશુલ્ક સોમનાથ, ત્રિવેણીતીર્થ, ભાલકાતીર્થ, માધવપુર લોયેજ જેવા અનેક ધાર્મિક સ્થળોની યાત્રા-દર્શન કરાવવામાં આવ્યા હતા. સૌ મહિલાઓએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત પોરબંદરની સંસ્થાઓએ, દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બૃહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વૃક્ષારોપણ ગૌસેવા, જરુરિયાતમંદોને રાશનકિટ વિતરણ, ભોજન સેવા જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ સંસ્થા દ્વારા યોજાયેલ દરેક પ્રવૃત્તિમાં સાંદીપનિના ટ્રસ્ટી, ઋષિકુળ અને ગુરુકુળના અધ્યાપકો, સેવક ઋષિઓ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.(તસ્વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
