તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 26th July 2026
કારગિલ વિજય દિવસ નિમિત્તે જામનગરમાં ૨૭ ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા 'એક પત્ર - ૫૨૭ પત્રો ૫૨૭ વીરોને' કાર્યક્રમ યોજાયો
કારગિલ યુદ્ધના ૫૨૭ અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા વિશિષ્ટ પહેલ : તમામ શહીદોના નામે વ્યક્તિગત હસ્તલિખિત પત્રો લખી દેશભક્તિની અનન્ય આદરઅંજલિ આપાઈ

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર:કારગિલ વિજય દિવસના પાવન અવસર પર ૨૭ ગુજરાત બટાલિયન એનસીસી જામનગર દ્વારા માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર કારગિલ યુદ્ધના ૫૨૭ અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 'એક પત્ર - ૫૨૭ પત્રો ૫૨૭ વીરોને' શિર્ષક હેઠળ એક અત્યંત ભાવુક અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિ અને 'ઓપરેશન વિજય' અંગે કેડેટ્સને આપાઈ જાણકારી:
કાર્યક્રમની શરૂઆતમાં તમામ એનસીસી કેડેટ્સને કારગિલ યુદ્ધની અતિહાસિક પૃષ્ઠભૂમિ, તેનું વ્યૂહાત્મક મહત્વ અને કારગિલ-દ્રાસ-બટાલિક સેક્ટરની બરફાચ્છાદિત પહાડીઓમાં હાથ ધરાયેલા 'ઓપરેશન વિજય' અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતીય સશસ્ત્ર દળોના વીરોએ વિષમ પરિસ્થિતિઓમાં દર્શાવેલ અપ્રતિમ શૌર્ય, સાહસ અને સમર્પણ ભાવ વિશે યુવાનોને માહિતગાર કરી માતૃભૂમિની સંપ્રભુતા માટે શહીદ થયેલા વીરોની વિરતાને બિરદાવવામાં આવી હતી.
૫૨૭ શહીદોના નામે અલગ-અલગ પત્ર લખી અનોખી કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ:
કૃતજ્ઞતા અને ગૌરવના પ્રતીક રૂપે બટાલિયનના તમામ કેડેટ્સ, એસોસિએટ એનસીસી ઓફિસર, કેર ટેકર ઓફિસર, પરમેનન્ટ ઇન્સ્ટ્રક્શનલ સ્ટાફ અને અધિકારીઓએ દરેક કારગિલ વીરની યાદમાં પોતાના હાથે પત્રો લખ્યા હતા. પ્રત્યેક કેડેટ દ્વારા એક શહીદને સમર્પિત પત્ર લખવામાં આવ્યો હતો, જેથી તમામ ૫૨૭ શહીદ વીરોને વ્યક્તિગત રીતે નામ જોગ યાદ કરીને સન્માનિત કરી શકાયા હતા.
આ સમગ્ર આયોજન દરમિયાન વાતાવરણ દેશભક્તિની ભાવનાથી ગૂંજી ઉઠ્યું હતું. કેડેટ્સ દ્વારા લખાયેલા આ પત્રોમાં માત્ર શાહી નહીં પરંતુ શહીદો પ્રત્યેનું ગૌરવ, વંદન, હૃદયપૂર્વકની કૃતજ્ઞતા અને તેમના બલિદાનને ક્યારેય ન ભૂલવાનો પવિત્ર સંકલ્પ છલકાતો હતો. આ પહેલે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, લાગણીસભર જોડાણ અને વીર શહીદો પ્રત્યે અગાધ આદરની ભાવના પ્રજ્વલિત કરી હતી.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
