<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

જામનગરમાં ‘ઓપરેશન ગોલુ’ સફળ: 9 વર્ષના માસૂમને શોધી પરિવારને સોંપતી પોલીસ, ખાખીમાં જોવા મળી માનવતા : જુઓ વિડીયો

નાગરિકની સતર્કતા અને સિટી ‘સી’ ડિવિઝન પોલીસની મહેનત રંગ લાવી; બાળક હેમખેમ મળી આવતાં પરિવારને મળી મોટી રાહત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરમાં 9 વર્ષનો માસૂમ બાળક ગોલુ ગુમ થતાં પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો. બાળકને શોધવા માટે જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસની ટીમે સઘન શોધખોળ હાથ ધરી હતી. પોલીસની મહેનત અને એક જાગૃત નાગરિકની સતર્કતાના પરિણામે આખરે ગોલુ હેમખેમ મળી આવતાં તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીથી પોલીસની ખાખીમાં રહેલી માનવતાનું સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 9 વર્ષનો ગોલુ ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસની ટીમે બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળકને શોધવા માટે વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, કેનાલ અને અવાવરાં સ્થળો સહિતના વિસ્તારોમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા બાળકની તસવીર સાથેનાં પોસ્ટરો લગાવી નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. બાળકને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસની ટીમ દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન, તારીખ 25ના રોજ અંબર ચોકડી નજીકથી એક જાગૃત નાગરિકે આપેલી માહિતી પોલીસ માટે મહત્ત્વની કડી સાબિત થઈ હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમે તપાસ કરતાં ગોલુ મળી આવ્યો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ બાળકને હેમખેમ તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
‘ઓપરેશન ગોલુ’ની સફળતાથી પરિવારના ચહેરા પર ફરી ખુશી છવાઈ
એક તરફ બાળક ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા, તો બીજી તરફ પોલીસની સતત મહેનત અને નાગરિકના સમયસરના સહયોગથી બાળક સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચી શક્યો હતો. જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસની આ કામગીરી અને નાગરિકની જાગૃતિને બિરદાવવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ મુશ્કેલીના સમયે નાગરિકોની પડખે ઊભા રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું પણ એટલું જ મહત્ત્વનું છે

(8:42 PM IST)