તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
ચૈતર વસાવા અને આદિવાસી સમાજના અવાજને દબાવવાના સત્તાધીશોના દમનકારી વલણો સફળ નહીં થાય : ધારાસભ્ય હેમંત ખવા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. રપ : આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને આદિવાસી સમાજની વેદનાને વાચા આપનારા ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા અંગે જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી હેમંત ખવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે અને આ કાર્યવાહીને રાજકીય દ્વેષભાવથી પ્રેરિત ગણાવી છે.
ધારાસભ્ય હેમંત ખવાએ સત્તાપક્ષની દમનકારી નીતિઓની આકરી આલોચના કરતા જણાવ્યું છે કે, ચૈતર વસાવાને જે રીતે સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે, તે માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ વિપક્ષના મજબૂત અવાજને અને ખાસ કરીને આદિવાસી સમાજના હકો માટે લડતા લોકનેતાને રાજકીય રીતે ટાર્ગેટ કરવાનું સુનિયોજિત ષડયંત્ર છે. સત્તાપક્ષ હંમેશાં એવા નેતાઓથી ડરે છે જેઓ જનતાના હક માટે રસ્તા પર ઉતરીને લડે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, શાસક પક્ષ ભલે વિપક્ષના અને આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવનારા નેતાઓનો અવાજ દબાવવાના ગમે તેટલા પ્રયત્નો કરી લે, પરંતુ લોકશાહીમાં જનતાનો અવાજ કયારેય દબાવી શકાતો નથી. જળ, જમીન અને જંગલની રક્ષા માટે તેમજ ગરીબોના કલ્યાણ માટે ચૈતર વસાવાએ જે લડત ઉપાડી છે, તેને કોઈ સજા કે જેલનો ભય રોકી શકશે નહીં.
‘‘સત્તાના નશામાં ચૂર આ ભાજપના શાસકો એ ન ભૂલે કે લોકશાહીમાં જનતા જ ભાગ્યવિધાતા છે. આજે આદિવાસી સમાજ અને વિપક્ષને ડરાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તેનો જવાબ ગુજરાતની જનતા યોગ્ય સમયે આપશે. ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો છે અને ઉચ્ચ અદાલતમાં કાયદાકીય લડત લડીને સત્યનો વિજય થશે જ.'' આમ આદમી પાર્ટીનો એક-એક કાર્યકર્તા અને નેતા આ અન્યાય સામે મક્કમતાથી ઊભો છે અને જનતાના અધિકારોની આ લડત ભવિષ્યમાં વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ધારાસભ્ય હેમંત ખવાએ ઉચ્ચ સત્તાધીશોને આપી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
