<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ઉપલેટાના પડવલા ગામે કૌટુંબિક ભત્રીજાએ બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કાકાની હત્યા કરી

બસ સ્ટેન્ડ પાસે બોલાચાલી બાદ કૌટુંબિક ભત્રીજા સોહીલ નોયડાએ કાકા અદ્રેમાન નોયડાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી

ઉપલેટા તાલુકામાં આવેલા ભાયાવદર નજીકના પડવલા ગામે આજે એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામના બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજા સોહીલ અયુબ નોયડા વચ્ચે કોઈ જૂની કે અગમ્ય બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.

જોકે, જોતજોતામાં આ બોલાચાલીએ અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આવેશમાં આવેલા ભત્રીજા સોહીલ અયુબ નોયડાએ પોતાની પાસે રહેલું ધારદાર તીક્ષ્ણ હથિયાર કાઢી કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.તીક્ષ્ણ હથિયારના હુમલાને કારણે અદ્રેમાન નોયડા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવને પગલે બસ સ્ટેન્ડ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત અદ્રેમાન નોયડાને ત્વરિત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો.

 

હત્યાના બનાવની જાણ થતાં જ ભાયાવદર પોલીસ મથકનો કાફલો તાબડતોબ પડવલા ગામે દોડી ગયો હતો અને સ્થળ પર શાંતિ જાળવવા બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફોરેન્સિક/પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. ભાયાવદર પોલીસે કૌટુંબિક ભત્રીજા સોહીલ અયુબ નોયડા સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

(11:40 PM IST)