<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

કચ્છના નારાયણ સરોવરના ક્રીક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બિનવારસુ બોટ ઝડપાઈ, માછીમારીનો સામાન મળ્યો; બિનવારસુ ચરસના પેકેટો મળી આવવાના સિલસિલા વચ્ચે પાકિસ્તાની બોટ મળતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

જખૌથી સુથરી નારાયણ સરોવર વચ્ચેના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં BSFને પેટ્રોલિંગ દરમિયાન મળી બિનવારસુ પાકિસ્તાની બોટ, બોટમાં સવાર માછીમારો ભારતીય જવાનોને જોતા જ નાસી છૂટ્યા હોવાની શંકા, સાવચેતીના ભાગરૂપે ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ સઘન બનાવાયુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા. 6 : કચ્છ જિલ્લાના જખૌથી સુથરી નારાયણ સરોવર વચ્ચેના સંવેદનશીલ દરિયાઈ ક્રીક વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી બિનવારસુ ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે, ત્યાં જ હવે સીમા સુરક્ષા દળ - BSFને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BSFના જવાનો નારાયણ સરોવરના ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી. જવાનો દ્વારા તાત્કાલિક બોટને ઘેરી લઈ તપાસ કરતા તે પાકિસ્તાની બિનવારસુ બોટ હોવાનું સામે આવ્યું હતું.

 

પ્રાથમિક તપાસમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. જોકે બોટમાં કોઈ શખ્સ હાજર મળ્યો ન હતો. BSFને શંકા છે કે બોટમાં સવાર પાકિસ્તાની માછીમારો ભારતીય સુરક્ષા જવાનોને પેટ્રોલિંગ કરતા જોઈને બોટ મૂકીને નાસી છૂટ્યા હશે અથવા તો દરિયાઈ પ્રવાહમાં બોટ ભારતીય જળસીમામાં આવી ગઈ હશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી કચ્છના જખૌથી સુથરી નારાયણ સરોવર વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાંથી બિનવારસુ ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. હવે આ જ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

 

BSF દ્વારા સાવચેતીના ભાગરૂપે ક્રીક વિસ્તારમાં દરિયાઈ અને જમીની પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. સાથે જ અન્ય ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોટ કયા હેતુથી ભારતીય જળસીમામાં આવી હતી અને બોટમાં સવાર શખ્સો ક્યાં ગયા તે દિશામાં BSF દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:48 PM IST)