<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ભારતીય જળસીમામાં કરચલા પકડવા ઘૂસણખોરી કર્યાની પાકિસ્તાનીઓની પ્રાથમિક તપાસમાં કબૂલાત

કચ્છના સિરક્રીક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી: ચાર પાકિસ્તાની માછીમારો ઝડપાયા : ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ :  કચ્છના સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર સિરક્રીકમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ચાર પાકિસ્તાની માછીમારોને એક ફાઈબર ફિશિંગ બોટ સાથે ઝડપી લીધા હતા. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે આ વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ચારેય માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના ચાચ જાન ખાન ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમની ઓળખ કાદિર થાઇમોર, મુહમ્મદ મુસા, અઝગર થાઇમોર અને અહસાન જાટ તરીકે થઈ છે. BSFની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ માછીમારો સરક્રીકના ભારતીય વિસ્તારમાં કરચલા પકડવાના હેતુથી પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ચારેય પાકિસ્તાની નાગરિકો સાથે તેમની ફાઈબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યા છે. હાલ આ મામલે સંયુક્ત પૂછપરછ હાથ ધરી ઘૂસણખોરી સંબંધિત અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

(9:32 AM IST)