તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કચ્છની ભુજ સ્થિત પાલારા ખાસ જેલ ફરી સરપ્રાઈઝ ચેકિંગમાં જેલ બેરેકમાંથી કાર્યરત મોબાઈલ ફોન મળ્યો
અમદાવાદ સ્પેશિયલ ઝડતી સ્ક્વોડના જેલર દેવશી કરંગીયા અને તેમની ટીમ દ્વારા પાલારા જેલમાં ઓચિંતી તપાસ

કચ્છની ભુજ સ્થિત પાલારા ખાસ જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. રાજ્યની હાઈ-સિક્યુરિટી જેલોમાં જેની ગણના થાય છે, ત્યાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં અમદાવાદની સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં જેલના બેરેકમાંથી કાર્યરત મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
અમદાવાદ સ્પેશિયલ ઝડતી સ્ક્વોડના જેલર દેવશી કરંગીયા અને તેમની ટીમ દ્વારા પાલારા જેલમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જેલના સર્કલ-2માં આવેલા બેરેક નંબર-10 પાસેના બાથરૂમમાં અત્યંત સાવચેતીપૂર્વક છુપાવવામાં આવેલો ઓપો કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ મોબાઈલમાં BSNL કંપનીનું સિમ કાર્ડ પણ ચાલુ હાલતમાં હતું, જેનો અર્થ છે કે જેલની અંદરથી બહાર લોકો સાથે સંપર્ક સાધવામાં આવી રહ્યો હતો. આ ઘટનાએ જેલની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષાના પોલાણને ખુલ્લું પાડ્યું છે.
આ મામલે જેલર દેવશી કરંગીયાએ તાત્કાલિક કાર્યવાહી કરતા ભુજ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનને હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે તપાસ માટે મોકલવામાં આવશે. ફોરેન્સિક રિપોર્ટ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ ફોનનો ઉપયોગ કોની સાથે વાત કરવા માટે કરવામાં આવ્યો હતો અને કયા ગુનાહિત નેટવર્ક સાથે તેના તાર જોડાયેલા છે.
આ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ચુસ્ત બંદોબસ્ત અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ હોવા છતાં, પ્રતિબંધિત મોબાઈલ જેલના બેરેક સુધી કેવી રીતે પહોંચ્યો..? શું આમાં જેલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે પછી કેદીઓ દ્વારા કોઈ નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે? પાલારા જેલની સુરક્ષામાં વારંવાર પડતા ગાબડા હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. આગામી સમયમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
