તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
સગીરા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપીને ૨૫ વર્ષની સખત કેદ સાથે માતા-પિતા સહિતના સહઆરોપીઓને ૨૦ વર્ષની જેલની સજા
ભુજની પોક્સો કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો : પીડિતાને રૂ. ૩ લાખનું વળતર ચૂકવવા ભલામણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ :સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં ભુજની ખાસ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતાં મુખ્ય આરોપી સલમાન ગુલામશા સૈયદને ૨૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે ગુનામાં મદદગારી કરવાના આરોપસર તેના માતા-પિતાને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. અન્ય સહઆરોપી બનેવીને પણ કેદની સજા ફટકારવામાં આવી છે. અદાલતે આરોપીઓ પર દંડ ફટકારવાની સાથે ભોગ બનનાર સગીરાને રૂ. ૩ લાખનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)ને ભલામણ કરી છે. આ કેસમાં તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર સગીરાના લગ્ન મુખ્ય આરોપી સલમાન સાથે કરાવી આપવા બાબતે તેના પરિવારજનો પર દબાણ કરવામાં આવતું હતું. સગીરાના પરિવારે તેની સગીર વયને કારણે લગ્ન કરાવવાની ના પાડતાં આરોપીઓએ અદાવત રાખી સગીરાનું અપહરણ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ એકસંપ થઈ સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી મુંદ્રા ખાતે તેના બનેવીના મકાનમાં છુપાવી રાખી હતી.
ત્યારબાદ મુખ્ય આરોપી સલમાન સગીરાને અજમેર લઈ ગયો હતો. ત્યાંથી પરત લાવ્યા બાદ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ગુનામાં અન્ય સહઆરોપીઓએ પણ મદદગારી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ ગુનામાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. પટેલ દ્વારા તપાસ પૂર્ણ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ભુજના સ્પેશ્યલ જજ એમ.એફ. ખત્રીની અદાલતમાં ચાલેલી સુનાવણી દરમિયાન ૫૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ૧૬ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. પુરાવા અને સાક્ષીઓની રજૂઆતને ધ્યાને લઈ અદાલતે આરોપીઓને સજા ફટકારી હતી.
ચુકાદા મુજબ, મુખ્ય આરોપી સલમાન ગુલામશા સૈયદ (ઉંમર ૨૨, રહે. ભુજ)ને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫ હજારનો દંડ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૬૪(૨)(એમ) હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તેના પિતા ગુલામશા ઇબ્રાહીમશા સૈયદ (ઉંમર ૫૮) અને માતા શેરબાનુ ગુલામશા સૈયદ (ઉંમર ૫૩), બંને રહે. ભુજ,ને ગુનામાં મદદગારી બદલ ૨૦-૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂ. ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંદ્રા ખાતે રહેતા બનેવી અકરમશા મામદશા સૈયદ (ઉંમર ૩૦)ને મદદગારી બદલ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.
અદાલતે ભોગ બનનાર સગીરાને રૂ. ૩ લાખનું વળતર મળે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા ભોગ બનનારના કાયદાકીય સહાયક તરીકે એડવોકેટ માલશ્રી ગઢવીએ રજૂઆત કરી હતી.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
