<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ભાવનગરમાં પથુભા ગોહિલનો મૃતદેહ હજુ ન સ્‍વીકારાયોઃ આજે ક્ષત્રિય સમાજ રણનીતિ ઘડશે

ખોટી ફરિયાદ નોંધાવનારા તથા તપાસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે ગુન્‍હો નોંધવા અને ‘સીટ' દ્વારા તપાસની પરિવારની માંગ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭ :..  ભાવનગર જિલ્લા જેલમાં ગુજસીટોકના આરોપી પથુભા ગોહિલ (પીપરાળી)ના મોતને પગલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્‌ છે. પથુભાના મોતના બીજા દિવસે પણ પરિવારજનોએ મળતદેહ સ્‍વીકારવાનો ઇનકાર કરતાં સર ટી. હોસ્‍પિટલમાં મળતદેહ રાખવામાં આવ્‍યો છે. પથુભા સામે ખોટી ફરિયાદ નોંધાવનાર ફરિયાદી તેમજ તપાસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની અને સમગ્ર મામલે SIT દ્વારા તપાસ કરાવવાની પરિવારજનોની માંગ હજુ અધૂરી રહી છે. આ માંગણીઓ સંતોષાય નહીં ત્‍યાં સુધી મળતદેહ નહીં સ્‍વીકારવાના નિર્ણય પર પરિવાર અડગ છે.

 પથુભા ગોહિલના જેલમાં થયેલા મોત બાદ ક્ષત્રિય સમાજ મેદાને પડ્‍યો છે અને ખોટી ફરિયાદ કરનાર અને તપાસ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા દરેક તાલુકામાં કેન્‍ડલ માર્ચ અને બાદમાં દરેક જિલ્લામાં કાર્યક્રમો રાખવાની ચિમકી ઉચ્‍ચારાઈ હતી, પરંતુ હાલ પૂરતો આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું જણાવાયું છે.

 ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ પરિવાર દ્વારા આજે  ભાવનગર શહેરની સર ટી. હોસ્‍પિટલ ખાતે એકત્રીત થવાના છે. પથુભાના મોતને લઈને પરિવારજનો દ્વારા અગાઉ બોરતળાવ પોલીસ સ્‍ટેશનમાં અરજી આપી તત્‍કાલીન ASP અંશુલ જૈન, મૂળ ફરિયાદી વલ્લભભાઈ વિરડીયા સહિત જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પથુભાને ખોટી રીતે કેસમાં સંડોવી માનસિક ત્રાસ આપવામાં આવ્‍યો હોવાના આક્ષેપ સાથે નિષ્‍પક્ષ તપાસની માંગ પણ કરવામાં આવી છે. જોકે, આ મામલે હજુ સુધી પરિવારની માંગ મુજબ કાર્યવાહી ન થતાં મળતદેહ સ્‍વીકારવાનો મુદ્દો યથાવત્‌ રહ્યો છે. હવે આજે સર ટી. હોસ્‍પિટલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક અને આગળની રણનીતિ પર સૌની નજર રહેશે.  

(3:40 PM IST)